લાખણીમાં પોલીસ દ્વારા કરિયાણાના વહેપારી પાસેથી ગુટખાનો તોડ કર્યો હોવાની લોકમુખે ચર્ચાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 13:58:26
  • Views : 1322
  • Modified Date : 2020-05-15 13:58:26

કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન હોવાથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ કે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની પ્રતિબંધિત ચીજો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આવા સંજોગોમાં સૌથી વધારે ગુટખા-તમાકુ અને બીડીઓનું મોટું કાળાબજાર થયું છે. લેભાગુ વેપારીઓએ ગુટખાના દસ ગણા ભાવ કરીને લોકોને લૂંટયા છે એમાં જેમની પાસે લોકડાઉનપહેલાનો સ્ટોક હતો એમણે સંગ્રહખોરી કરીને મબલક રૂપિયા કમાયા છે. માનવતાને બાજુએ મૂકીને ગુટખાના વેપારીઓએ હળાહળ ખોટું કર્યું છે અને ચોરીચુપે વેચીને અઢળક કમાણી કરી છે. આવા સંજોગોમાં પોલીસ પણ બાકાત રહી નથી. ત્યારે તાલુકા મથક લાખણીમાં પણ  પોલીસ દ્વારા ગુટખાનો તોડ કરાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. બજારના એક મોટા હોલસેલના વેપારી સવારના વહેલા ગુટખા દુકાનમાં ભરી રહ્યા હતા તે વખતે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ત્યારબાદ થોડીવાર પછી સબ સલામત થઈ ગયું હતું અને વેપારીએ પોલીસ સામે હાથજોડી કરીને ગાંધીછાપ વ્યવહાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આ વેપારી દ્વારા લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં ગુટખા તમાકુ અને બીડીઓનું વેચાણ કરીને ધૂમ આવક કરી હોવાનું પણ લોકમુખે બોલાઈ રહ્યુ છે. પોલીસ દ્વારા લાખણી વિસ્તારોમાં અલગ અલગ ત્રણથી ચાર જગ્યાએથી આવી રીતે ગુટખાનો તોડ કર્યો છે જેને લઈને તાલુકાની જનતા પોલીસ ઉપર ફિટકાર વરસાવી રહી છે અને આવા લેભાગુ વેપારીઓ કે જેમણે તકનો લાભ લઈને કાળા બજારી કરી છે આવા વેપારીઓ ઉપર જનતા ધિક્કાર વરસાવી રહી છે.

લાખણી સહિત તમામ જગ્યાએ લોકડાઉન દરમિયાન ગુટખાની ધૂમ કાળાબજારી થઈ રહી છે, દસ ગણા ભાવથી ગુટખા વેચાઈ રહી છે. ત્યારે આવા સંજોગોમાં સરકારે કાં તો ગુટખાના પ્રતિબંધને હટાવી લેવો જોઈએ અથવા તેને કાયમ માટે પૂર્ણરૂપે બંધ કરી દેવો જોઈએ અને આવા સમયે જે જે વેપારીઓએ કાળાબજારી કરી છે એમની ગુપ્ત માહિતી મેળવીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે.

Download Our B K News Today App



Related News