દૂધસંઘના સુપરવાઈઝરે બોગસ ઓર્ડર કરી લાખણીના ઘાણાં ગામની દૂધમંડળીને લગાવ્યો ચૂનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-01 11:04:46
  • Views : 5083
  • Modified Date : 2019-12-01 11:04:46

લાખણી તાલુકાના ઘાણાં ગામના આવેલી રાજારામ નગર મિલ્ક કલેક્શન સેન્ટર દૂધમંડળી સાથે ભયંકર ગેરરીતિ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ પછી
આરોપીઓને પુછપરછ કરી ગુનો સાબિત થતાં બોગસ ઓર્ડરથી દાણ મેળવનાર અને
સ્વીકારનાર પાસેથી બનાસ ડેરીએ ૧૮.૩૬ લાખ કાપી લઇ જમા લીધા હતા. જો કે ભોગ બનનાર દૂધમંડળીને છેલ્લાં બે મહિનાથી કૌભાંડથી કપાત થયેલ રકમ પરત નહિ મળતા જીવન દોહ્યલુ બન્યુ છે. દૂધ ઉત્પાદકો અને મંડળીના સંચાલકો
ભાજપ-કોંગ્રેસની રાજનિતીમાં ભરાઇ પડ્યા છે.
રાજારામનગર (ઘાણાં) મિલ્ક કલેક્શન સેન્ટર સાથે દૂધસંઘના સુપરવાઇઝરે નાણાંકીય ગેરરીતિ આચરી હતી. ગત જુલાઇ માસ દરમ્યાન દૂધસંઘના
સુપરવાઇઝર અશોક પટેલે ડમી ઓર્ડરો બનાવી દાણ મળ્યા સંદર્ભે બનતી ડી.આઇ. પર સહી-સિક્કા કરી આઠ ગાડી દાણ મંગાવ્યુ હતુ. કુલ આઠ ગાડીમાં ૨૪૦૦ બોરી બનાસદાણ મંગાવી બારોબાર અન્ય દૂધમંડળીઓમાં ઉતાર્યુ હતુ. આ પછી રાજારામનગર મિલ્ક કલેક્શનના બેંક ખાતામાંથી રકમ કપાતા મંત્રીને પગતળેથી જમીન ખસી ગઇ હતી. આ પછી તાત્કાલિક દોડધામ કરી મંડળીના મંત્રી દેમીબેન પટેલે સંઘના
સુપરવાઇઝર અશોકભાઇની મંડળી કુષ્ણનગરથી ત્રણ ગાડીઓનું દાણ પકડ્યુ હતુ. જો કે ત્રણેય ગાડીઓનું પેમેન્ટ કર્યા બાદ બાકીની પાંચ ગાડીઓનું પેમેન્ટ અધ્ધરતાલ રહ્યુ હતુ. રાજરામનગર દૂધમંડળીના મહિલા મંત્રી અને દૂધ ઉત્પાદકોને વગર વાંકે ૧૮.૩૬ લાખનો ચુનો લાગ્યો હોઇ બનાસ દૂધસંઘમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં બારોબાર દાણ મેળવનાર ડેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઝડીયાલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી, તા.લાખણી અને દામારામપુરા દૂધ
ઉત્પાદક સહકારી મંડળી, તા.ડીસાના બેંક ખાતામાંથી રકમ કાપી લેવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે, રાજરામનગર મંડળીના દૂધ ઉત્પાદકો અને મંત્રી છેલ્લાં કેટલાંય દિવસોથી પોતાની ૧૮,૩૬,૪૨૦ રકમ મેળવવા મથી રહ્યા છે. દાણના બારોબારીયાની રકમ બનાસ દૂધસંઘ પાસે કબજે હોવા છતાં મંડળીને ચૂકવવામાં આવી નથી તેને લઇ અત્યંત ગંભીર બાબત સામે આવી છે. દાણના કૌભાંડના જેની સૌથી વધુ આક્ષેપ છે તેવા રૂટ
સુપરવાઇઝર અશોક પટેલ કોંગ્રેસ વિચારધારાના છે. જ્યારે દૂધસંઘના સત્તાધિશો ભાજપી હોવાથી રાજનિતીને કારણે રાજારામનગર દૂધ મંડળી ભરાઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અશોક પટેલ લાખણી કોંગ્રેસ પ્રમુખ ધુડાભાઈના પુત્ર હોવાથી રાજકીય લાગવગ મળી રહેતી હોવાથી રાજારામ મિલ્ક કલેક્શનના મંત્રીને હજુ ન્યાય મળ્યો નથી.


Download Our B K News Today App



Related News