ભારતીય અને ચીની આર્મી વચ્ચે ફરી ઝપાઝપીમાં ચીનના 20 સૈનિકો અને ભારતના 4 સૈનિકો ઘાયલ, સિક્કિમમાં ભારતીય સૈનિકોએ રોક્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:28:10
  • Views : 297
  • Modified Date : 2021-01-25 12:28:10

પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ફરી તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. માનવામાં આવે છે કે ત્રણ દિવસ પહેલાં સિક્કિમના કૂલામાં ચીની સેનાએ LACની હાલની સ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના અમુક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા હતા. આ દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ભારતના 4 અને ચીનના 20 જવાનો ઘાયલ થયા છે. જોકે હાલ સ્થિતિ તણાવપૂર્ણ છતાં સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ભારતીય ક્ષેત્રની સાથે સાથે દરેક પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છતાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

8 જાન્યુઆરીએ ચીનના એક સૈનિકની ભારતની સીમામાં ઘુસણખોરી સમયે ધરપકડ કરવામાં આવી હતી. ઘટના પૂર્વી લદ્દાખના પેગોન્ગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારની હતી. ભારતે 2 દિવસ પછી તેમના સૈનિકને પરત કર્યો હતો. ચીને સફાઈ આપી હતી કે, તેમનો સૈનિક ભૂલથી ભારતીય સીમામાં ઘુસી ગયો હતો. આ પહેલાં ઓક્ટોબરમાં પણ ચીનના સૈનિકે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. ઓક્ટોબરમાં ડેમચોક સેક્ટરમાં એક ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે તેને ચુશુલ-મોલ્ડો મીટિંગમાં ચીની ઓફિસર્સને સોંપી દેવામાં આવ્યો હતો. તે બે દિવસ ભારતીય સેનાની અટકાયતમાં રહ્યો હતો.

ચીન એક બાજુ આર્મી અને ડિપ્લોમેટિક લેવલ પર વાતચીત કરી રહ્યું છે. બીજી બાજુ સતત ઘુસણખોરીનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસવાનો પ્રયત્ન કરતાં હાલ અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વી લદાખના મોલ્ડોમાં ભારત અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે 9મા તબક્કાની બેઠક થઈ હતી. અંદાજે 15 કલાક બેઠક ચાલી હતી અને તેમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. આ બેઠકમાં ભારતે LAC પર તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.


Download Our B K News Today App



Related News