સુઇગામ તેમજ વાવ તાલુકામાં તીડથી પ્રભાવિત ગામોની કૃષિમંત્રીએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:15:50
  • Views : 459
  • Modified Date : 2019-07-22 11:15:50

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તેમજ સુઇગામ તાલુકામાં છેલ્લા એક માસથી મોટા પ્રમાણમાં તીડના ટોળાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને પગલે ૧૦ દિવસ
પહેલાં કૃષિમંત્રીએ તીડ પ્રભાવિત ગામોની મુલાકાત લીધા બાદ ફરીથી શનિવારે સરહદી સુઇગામ તાલુકાના મેઘપુરા ખાતે દોડી આવ્યા હતા અને તીડ પ્રભાવિત સ્થળોનું જાત નિરીક્ષણ કર્યુ હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તેમજ સુઇગામ તાલુકાના સાતેક ગામોની સીમમાં તીડના ટોળેટોળાં જોવા મળતાં છેલ્લાં એક માસથી ખેતીવાડી અધિકારીઓ અને તીડ નિયંત્રણ ટીમની દોડધામ વધી ગઈ છે. જેમાં શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડોનો નાશ કરાયો હતો. પરંતુ પુખ્ત માદા તીડ દ્વારા જમીનમાં મુકાયેલા ઈંડામાંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચા નીકળી
ખેતીપાકોને નુકશાન કરતાં હોવાની જાણ ખેડૂતોએ ખેતીવાડી અધિકારીઓને કરવા છતાં અધિકારીઓએ પૂરતો સ્ટાફ ન હોવાનું બહાનું કાઢી ખેડૂતોએ જાતે દવા છાંટવાની વાત કહેતાં આ અંગેના મીડિયા અહેવાલોની ગંભીરતાથી નોંધ લઈ કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમજ શંકરભાઇ ચૌધરી (પૂર્વ રાજ્યમંત્રી) સાથે સુઇગામ તાલુકાના મેઘપુરા ખાતે દોડી આવ્યા હતા અને તીડથી પ્રભાવિત ખેતરોનું જાત નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૦ જુલાઈએ કૃષિમંત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ ૧૦ દિવસ બાદ કૃષિમંત્રીની બીજીવારની આ મુલાકાત તેમની ખાસ ગંભીરતાને આભારી છે.
આ અંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તીડ નિયંત્રણ માટે વિશ્વના અન્ય નિષ્ણાંતો સાથે દેશના વડાપ્રધાન દ્વારા માર્ગદર્શન લેવાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી તીડ નિયંત્રણ કરવામાં ખેતીવાડી ટીમ સતત કાર્યરત છે જે બે તબક્કામાં તીડને કન્ટ્રોલ કરવામાં આવ્યાં છે. અત્યારે જે તીડના બચ્ચા છે તે ઇંડામાંથી નીકળીને ધીરેધીરે મોટા થઈ રહ્યા છે. પરંતુ એ મોટાં થાય તે પહેલાં દવાનો છંટકાવ કરી તેનો નાશ કરાશે તેમજ હજુપણ ઈંડામાંથી બચ્ચા થશે અને તેના પર પણ ટીમની સતત નજર છે. આમ જેમજેમ લોકેશન મળશે તેમતેમ તેને કન્ટ્રોલ કરી લેવાશે. ખેડૂતો અને પશુપાલકોને સલાહ આપતાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં તીડનાશક દવા છાંટવામાં આવવાની હોય ત્યાં અઠવાડિયા સુધી પોતાના પશુઓને લઈ જવામાં ન આવે આ ઉપરાંત જ્યાં પણ તીડ દેખાય ત્યાં ખેતીવાડી અધિકારીઓનું ધ્યાન દોરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News