ડીસાના ટેટોડા ગામે મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 10:59:32
  • Views : 1137
  • Modified Date : 2019-11-29 10:59:32

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગામે પાંચ વર્ષ અગાઉ મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ બાબતે ડીસા તાલુકાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને ભાજપ અગ્રણીને સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ કૌભાંડમાં ડીસા તાલુકાના ભાજપ અગ્રણીની
 પણ ધરપકડ કરાઈ છે. આ સિવાય અનેક આગેવાનો અને સરકારી કર્મચારીઓના નામ પણ ફરિયાદમાં હોય તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ડીસા તાલુકાના ટેટોડા ગામે પાંચેક વર્ષ અગાઉ ગામમાં સરપંચ, ઉપસરપંચ, તલાટી તેમજ ડીસા તાલુકાના  તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મનરેગા યોજના ટેકનીકલ આસિસ્ટન્ટો વગેરે મળી ગામના સ્મશાનની દિવાલ, રાજીવ ગાંધી ભવન, આર.સી.સી. રોડ, શાળાના ઓરડા તેમજ તળાવો ઊંડા કરવાના કામ સહિતના કામોમાં કોઈપણ કામ કર્યા વગર ગામના વ્યક્તિઓના નામે ખોટા જોબકાર્ડ ઉધારી રૂપિયા ૧૯.૫૦ લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરી હતી. આ બાબતે ગામમાં જાગ્રૃત નાગરિક ભૂરાભાઈ પટેલનું પણ જોબ કાર્ડ ખોટુ બની જતા અને તેમના નામે પણ બારોબાર પૈસા ઉપડી જતા તેઓએ આરટીઆઈ માહિતી મગાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અને જિલ્લા વિકાસ અધિકારીએ કમિટિ બનાવી તપાસના ઓર્ડર કરતા આ બાબતે સ્પષ્ટ ગેરરીતિ જણાતા ડીસા તાલુકાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપના અગ્રણી, ગામના સરપંચ,
ઉપસરપંચ, તલાટી તેમજ મનરેગા યોજનાના ટેકનીકલ આસિસ્ટન્ટ સહિત નવ જેટલા વ્યક્તિઓ સામે ડીસા તાલુકા
પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જો કે તત્કાલીન ટીડીઓ સહિત ભાજપ અગ્રણીએ આગોતરા જામીન મેળવ્યા હતા જેથી તેમની ધરપકડ થઈ શકી હતી. જોકે સામે પક્ષે ફરિયાદીને અસંતોષ જણાતા તેને
હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જેથી હાઇકોર્ટે સમગ્ર કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને
સોંપી હતી.
હાઇકોર્ટે સીઆઇડી ક્રાઈમને તપાસ સોંપતા જ  તત્કાલીન ડી.ડી.ઓ. અને ભાજપ અગ્રણીના આગોતરા જામીન નામંજૂર કરાયા હતા. સીઆઇડી ક્રાઈમની ટીમે તેઓને ડીસાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં આ બંને આરોપીઓના ૩ દિવસના રીમાન્ડ માંગતા કોર્ટે તેઓને બે દિવસના રીમાન્ડ મંજૂર કરી સીઆઇડી ક્રાઈમને સોંપ્યા હતા. ત્યારે હવે સીઆઇડી ક્રાઈમની તપાસમાં શુ બહાર આવે છે અને ભ્રષ્ટાચાર મામલે હજુ કેટલા લોકોની ધરપકડ થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બનવા પામેલ છે જેથી હવે જાવું રહ્યું કે શું ખરેખર આ ભ્રષ્ટ્રાચારીઓને સજા થશે કે પછી ભીનું સંકેલાશે ?


Download Our B K News Today App



Related News