દર વર્ષે નોરતાં પૂર્વે ખેલૈયા 1 લાખ સુધીના ડ્રેસ તૈયાર કરાવતા હતા, આ વર્ષે નવાનો અને ભાડેથી ડ્રેસ આપવાનો ધંધો ઠપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:02:08
  • Views : 333
  • Modified Date : 2020-10-02 12:02:08

    કોરોનાને પગલે ચાલુ વર્ષે મોટા આયોજકો ગરબાનું આયોજન કરવાના મૂડમાં નથી ત્યારે નવરાત્રીના તહેવાર સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ દ્વારા રોજ આશરે 2 હજાર જેટલા ડિઝાઈનર કેડિયાં અને ચણિયાચોળી સહિત અન્ય એસેસરીઝ ભાડેથી લેવામાં આવતી હોય છે. જોકે નવરાત્રીનો તહેવાર જ ન થવાનો હોવાથી ભાડેથી ડ્રેસ આપતા વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે.

શહેરમાં ડ્રેસ ભાડે આપવાનો બિઝનેસ કરતા ઉદીત ડ્રેસવાલાએ જણાવ્યું હતું કે, નવરાત્રી આવે તેના 6 મહિના પહેલાં અમે અમારા વર્કશોપમાં નવી ડિઝાઈનના ચણિયાચોળી, કેડિયા અને એસેસરીઝ બનાવીઅે છીએ. જ્યારે નવરાત્રીના 1 મહિના પહેલાથી ખેલૈયાઓ ડ્રેસનું બુકિંગ કરતા હોય છે. 9 દિવસમાં રોજના 50 થી 70 ડ્રેસ માત્ર અમારી દુકાનમાંથી ભાડે લેવાતા હોય છે. જ્યારે શહેરમાં 5 જેટલા વેપારીઓ ડ્રેસ ભાડે આપે છે. બીજી તરફ આઠમ તિથિના રોજ તો ગ્રૂપમાં ગરબા રમતા ખેલૈયાઓ ગ્રૂપ માટે એક સરખો ડ્રેસ લઈ જતા હોય છે. આમ વિશેષ દિવસોમાં કેડિયા અને ચણિયાચોળીની માગ વધી જતી હોય છે. આ ઉપરાંત ખેલૈયાઓ ખાસ નવરાત્રી માટે ડિઝાઈનર કુર્તા, કેડિયા તેમજ ચણિયાચોળી પણ તૈયાર કરાવતા હોય છે. જેમાં 5 હજારથી લઈ 1 લાખ સુધીના ડ્રેસ તૈયાર થતા હોય છે. ચાલુ વર્ષે ડિઝાઈનર ડ્રેસ તૈયાર કરનાર વેપારીઓ પણ ખાલી બેઠા છે.

નવરાત્રી આડે માંડ 15 દિવસ બાકી રહ્યા છે છતાં બજારોમાં રોનક નથી દેખાતી
નવરાત્રીને આડે હવે 15 દિવસ બાકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તાર, નવાબજાર અને મંગળબજાર સહિતનાં મુખ્ય બજારોમાં નવરાત્રીની ખરીદીની કોઈ રોનક દેખાઈ રહી નથી. વેપારીઓ દ્વારા પણ કોઈ નવા માલનો ઓર્ડર અપાયો નથી. જ્યારે જે લોકો ઘરમાં માતાજીનો ગરબો મૂકે છે તે લોકો ચાલુ વર્ષે આ પરંપરા જાળવશે અને તેઓ માતાજીના શ્રીંગાર સહિતની વસ્તુ ખરીદી રહ્યા છે.

Download Our B K News Today App



Related News