વાવના લોદરાણીના ખેડૂતોની સાત વર્ષથી રજૂઆત છતાં કાર્યવાઈ ના થતાં પાણી માટે નર્મદાના ઇજનેરોને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:23:53
  • Views : 311
  • Modified Date : 2020-11-28 11:23:53

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા વિભાગના અધિકારીઓને જગાડવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન મળતા આખરે કંટાળેલા ખેડૂતોએ શુક્રવારે કેનાલ ઉપર પહોંચી ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને જો ત્રણ દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેટલાય એવા ગામ છે, જ્યાં કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી. સરકારે આવા વિસ્તારોમાં કેનાલો તો બનાવી છે પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓએ નથી તો આ વિસ્તારની કોઈ મુલાકાત લીધી કે નથી અહીંના ખેડૂતોને પાણી મળી રહે તે માટે કોઇ પ્રયાસો કર્યા. વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામની પણ આ જ
પરિસ્થિતિ છે. અહીં પણ છેલ્લા સાત વર્ષથી કેનાલ બનાવવામાં આવી છે પરંતુ કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળતું નથી. જેના કારણે દર વર્ષે ખેડૂતો વ્યાજે નાણાં લાવી મોંઘાદાટ બિયારણો વાવેતર કરે છે. અને કેનાલ મારફતે પાણી મળી રહેશે તે આશાએ વાવેતર કરતા હોય છે. પરંતુ કેનાલમાં પાણી ન મળતા વાવેતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. જે માટે અત્યાર સુધી આ ગામના ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ પાણી ન મળતા આખરે કંટાળેલા ખેડૂતો એ શુક્રવારે ઢોલ વગાડી બહેરી, મુંગી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. લોદ્રાણી ગામના સો જેટલા ખેડૂતો કેનાલ પર ભેગા મળી ઢોલ વગાડી અનોખો વિરોધ દર્શાવી બહેરા અને મૂંગા અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં જો ત્રણ દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર
આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News