બનાસકાંઠા જિલ્લામાં ફરી માવઠાનો માર ખેડૂતો પાયમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 11:17:58
  • Views : 368
  • Modified Date : 2019-12-13 11:17:58

બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારની મોડી સાંજે એકવાર કાળા ડિબાંગ વાદળોને જોરદાર પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત રૂઠી હોય તેમ ખેડૂતોને એક પછી એક નુકસાન વેઠવાનો વારો આવે છે. થોડા દિવસો અગાઉ જ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરાના વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે  ફરી એકવાર કમોસમી વરસાદ અને કરાનો વરસાદ
પડતા ખેડૂતોના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુરુવારની મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના વાવ, ભાભર, સુઈગામ, દિયોદર, ડીસા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરાનો વરસાદ થયો હતો. સરહદી વિસ્તાર ગણાતા સુઈગામ વિસ્તારમાં મોટુ નુકસાન થયા બાદ ફરી એકવાર સારી આવકની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરું, એરંડા અને રાયડાના પાકનું વાવેતર કર્યુ હતું. પરંતુ કમોસમી વરસાદ અને કરાના વરસાદના કારણે આ તમામ પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હાલ તો ખેડૂતો એક પછી એક કુદરતના માર સહન કરીને ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો ખમા કર. ગુરુવારની મોડી સાંજે શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે રસ્તાઓ પણ ક્યાંક બંધ થઈ જવા પામ્યા હતા.
બનાસકાંઠામાં આ વર્ષે ચોમાસાના પ્રારંભમાં નહિવત વરસાદ થયો હતો. જોકે,
પાછોતરા ધોધમાર વરસાદે ખેતીના પાકોને નુકસાન
પહોચાડ્યું હતું  છેક નવરાત્રિ સુધી વરસાદ થયો હતો. દરમિયાન નવા વર્ષમાં કુદરતી આફતો નહિ આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા હતા. પરંતુ દીપાવલીના પર્વમાં જ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. આટલું પૂરતું ન હોય તેમ  મહા વાવાઝોડું ત્રાટકયુ હતું, જેનાથી ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકાર દ્વારા આવા ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠામાં ગુરૂવારે વાતાવરણ પલટાયું હતું. જ્યાં સરહદી સુઈગામ સહિતના આજુબાજુના વિસ્તાર, ડીસાના ભીલડી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્‌યો હતો. જ્યારે
પૂર્વના પાલનપુર સહિતના
પંથકમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને પગલે  રાયડો, વરીયાળી, કપાસ, મગફળી, જીરૂના પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ધાનેરા ઃ કુદરત પણ જાણે જગતના તાત ઉપર રૂઠ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઉનાળુ પાક પુરો થાય તે પહેલાં વરસાદ આવતા પાકને ભારે નુકસાન થયુ જ્યારે ચોમાસામાં પણ પાક તૈયાર થયો ત્યારે સતત વરસાદ રહેતા ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં રાતા પાણીએ રોવાના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ફરી ગુરૂવારની વહેલી સવારે અચાનક વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા જગતના તાતે મહામહેનતે વાવેલ રાયડા, એરંડા તેમજ અન્ય પાકોમાં નુકસાન થવાની સંભાવનાથી  ખેડૂતોના જીવ
પડીકે બંધાયા છે. જો આ વાતાવરણ આવું વાદળછાયું રહે તો ખેતીમાં ભારે નુકસાન થવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.
થરાદ ઃ થરાદ પંથકમાં બપોરના સુમારે કમોસમી વરસાદનો માર પડ્યો છે.
જેમાં થરાદ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ આવતા ખેતરમાં ઉભેલા એરંડા અને કપાસના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. તેમજ તાજેતરમાં વાવેલ જીરૂના પાકનું ધોવાણ થઈ ગયુ હતુ. તેમજ સરહદના ગામોમાં કરા સાથે ઝાપટું પડ્યું હતું. આથી ખેડૂતો દિવસે અને દિવસે પાયમાલ બનતા જાવા મળી રહ્યા છે.
દિયોદર ઃ થોડા સમય અગાઉ થયેલા કમોસમી માવઠાએે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે તે ઘા હજુ રૂઝાયા નથી ત્યાં  બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી માવઠું થતા ખેડૂતો ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.   આ કમોસમી માવઠાથી ભારે નુકસાન થયુ હોવાનું અનુમાન છે.  જગતના તાત આ વર્ષે ભારે તકલીફમાં છે ત્યારે સરકારે પણ યોગ્ય સહાય કરવી જોઈએ. દિયોદર પંથકમાં  પવન સાથે કમોસમી ધોધમાર વરસાદે ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી વાવેતર ફેલ જવાની પુરી શક્યતાઓ રહેલી છે.
થરા ઃ કાંકરેજ વિસ્તારમા સાંજના સમયે અચાનક વાતાવરમાં વધુ પલ્ટો આવતા અનેક વિસ્તારમાં વરસાદ પડયો હતો. અને ભારે ઠંડો પવન ફુકાયો હતો ત્યારે સાંજે પાંચ વાગ્યાના સમયે એકદમ ઠંડીમા વધારો થય ગયો હતો અને અનેક વિસ્તારમાં વરસાદ પડયા હોવાના સમાચાર મળ્યા છે.  તાલુકાના પાદરડી ગામે ઘટના અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વરસાદ અને ભારે પવનને લીધે પાદરડી
આભાર - નિહારીકા રવિયા  મકાનોના નળીયા  છત  ઉડી ગયા હતા. ભારે પવનના કારણે લીમડાનું ઝાડ પડતા બે ભેંસના મોત થયા હતા. પાદરડીના સેલાજી અજમલજીની બે ભેંસના મોત થતાં આભ તૂટી પડયું હતું.

Download Our B K News Today App



Related News