ડીસામાં મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 11:29:21
  • Views : 502
  • Modified Date : 2019-11-20 11:29:21

ખેડૂતોએ ચોમાસુ મગફળી વાવેતર કર્યા બાદ વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં મગફળીમાં નુકસાન થયુ છે. ત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી.હાલ વાતાવરણ વાદળ છાયું હોવાથી મગફળીમાં ભેજ જોવા મળતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. તો સરકાર દ્વારા
માપદંડમાં ફેરફાર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચોમાસુ
પાકમાં મોટુ નુકસાન થયુ છે અને ખેડૂતોએ તેમણે થયેલા નુકસાન અંગે સરકાર સમક્ષ ટેકાના ભાવોની માંગણી કરી હતી. ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ સરકારની જાહેરાત બાદ
પણ ખેડૂતો ખુબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે. ડીસા  પુરવઠા ગોડાઉન ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ ખરીદી બંદ કર્યા બાદ સરકાર દ્વારા ફરી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખુબ જ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે. જ્યારે હાલ વાદળ છાયું વાતાવરણ હોવાથી ખેડૂતોની મગફળીમાં ભેજ જોવા મળતા નાફેડના અધિકારી દ્વારા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા જે મગફળીમાં માપદંડ કરવામાં આવ્યા છે તેમાં સુધારા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ડીસામાં સરકારી ગોડાઉન  ખાતે અત્યારે ગુજરાત નાગરિક અન્ન અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અહી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોના આધાર પુરાવા ચેક કર્યા બાદ મગફળીનું વજન પ્રમાણે ગ્રેડિંગ કરીને મગફળી ખરીદવામાં આવી રહી છે.જ્યારે ખેડૂતની મગફળીમાં આઠ ટકા કરતા વધારે  ભેજ હોવાથી ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. સરકાર દ્વારા જે માપદંડ પ્રમાણે અમને ખરીદવાની સૂચના મળેલ છે તે પ્રમાણે ખરીદી કરવામાં આવી રહી છે.
ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા નુકસાનમાંથી ઊગારવા માટે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરી છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલી આ ખરીદી ખુબ જ મોડી શરૂ કરવામાં આવી છે. અને ખરીદી મોડી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો તેમની મગફળી ખુલ્લા બજારમાં વેચી ચૂક્યા છે.  ત્યારે વર્તમાન સમયમાં ખુબ જ ઓછા ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે.  ત્યારે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો ખેડૂતો માટે નકામા સાબિત થઈ રહ્યા છે..

Download Our B K News Today App



Related News