ધાનેરામાં રાયડાની ખરીદી બંધ કરાતાં ખેડૂતોનો ચક્કાજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 10:47:06
  • Views : 471
  • Modified Date : 2019-06-30 10:47:06

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૯૫૦૦ ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં  આવ્યા છે. પરંતુ ખરીદી ધીમી ગતીએ ચાલતા ખેડૂતો હેરાન થઇ રહ્યા છે. અને શનિવારે રાયડાની ખરીદી માટે ૫૦૦ જેટલા ખેડૂતોને મેસેજ કરીને બોલાવી લેવાયા હતા અને અધિકારીઓ ખરીદી સેન્ટરે ના આવતા ખેડૂતોએ ભેગા મળીને હાઇવે ને બે કલાક બાનમાં લેતા કેટલાંય વાહનો અટવાઇ પડ્‌યા હતા.
પાલનપુરથી જિલ્લા પુરવઠા અધિકારીએ આવીને ખરીદી ચાલુ કરાવતા બે કલાકે મામલો થાળે પડયો હતો. જ્યારે અન્ય ફોર્મમાં અમુક ખામીઓ હોવાના કારણે રદ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાંક વેપારીઓ રાત્રે રાયડો તોલાવતા હોવાનું બહાર આવતા હોબાળો થવા પામ્યો હતો અને અધિકારીઓ બારોબાર ભાગી પણ ગયા હોવાના અહેવાલ મળવા પામ્યા છે.
ખેડૂત એ જગતનો તાત કહેવામાં આવે છે ખેડૂત શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય તેમાં તે ઉભો રહીને માલ પકવે છે અને સમગ્ર લોકોને પુરો પાડે છે. પરંતુ આ જગતનો તાત
પોતાનો પસીનો પાડીને પકવેલ ખેતીનો માલ વેચવા કાઢે ત્યારે તેના પોષ્ણક્ષમ ભાવો મળતા હોતા નથી. જેથી સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે બાબતે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમ દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધારે રાયડાનું
ઉત્પાદન હોય તો તે ધાનેરા તાલુકામાં છે અને જેના કારણે ધાનેરા તાલુકામાં ૧૨૦૦૦ કરતા પણ વધારે ફોર્મ આવ્યા હતા અને આજદિન સુધીમાં ૯૫૦૦ નું રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ છે.જ્યારે બાકીના ફોર્મમાં ડબલ કે કોઇ ક્ષતી હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે અને આજ સુધીમાં ૯૫૦૦ ખેડૂતોના રજીસ્ટ્રેશનમાંથી ૪૦૦૦ જેટલા ખેડૂતોના માલ તોલવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. પરંતુ જ્યારથી ખરીદી ચાલુ કરવામાં આવી ત્યારથી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચાર આદરવામાં આવી રહ્યો છે. જેમાં એક અધિકારીને ભ્રષ્ટ્રાચાર બાબતે ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે ત્યારે બીજા અધિકારીઓએ ફરીથી આવા કામો શરૂ કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ઉપરી કચેરી ખાતે પણ રજુઆતો કરી હતી. જ્યારે બીજી તરફ ચોમાસુ આવી જતા ખેડુતો ચિંતામાં મુકાઇ જવા પામ્યા છે. અને શનિવારે ૫૦૦ જેટલા ખેડૂતોને ટોકન ફાળવી દેવામાં આવતા લાંબી કતારો લાગી હતી અને બીજી તરફ અધિકારીઓ ખરીદી સેન્ટર ઉપર ન આવતા ખેડૂતો બપોરના ૧ વાગ્યા સુધી ધીરજ રાખીને બેસી રહ્યા હતા. પરંતુ કોઇ રાયડાની ખરીદી માટેના અધિકારીઓ ન આવતા ખેડૂતોની ધીરજ ખુટી હતી અને ધાનેરા ડીસા હાઇવે બ્લોક કરી દેવામાં આવતા ચક્કાજામ સર્જાયો હતો.  આ ઘટનાની જાણ ધાનેરા મામલતદાર તેમજ પોલીસને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખેડૂતો અડગ રહેતા અંતે પાલનપુરથી જિલ્લા પુરવઠા અધિકારી આવ્યા હતા અને પોતાની હાજરીમાં ખરીદી ચાલુ કરાવતા ખેડૂતોએ રસ્તો ખુલ્લો કર્યો હતો. તેમજ ભ્રષ્ટ્ર અધિકારી નિલેશ પટેલ સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી હતી. બીજી તરફ આ અધિકારી કર્મચારીઓ રાત્રીના સમય કેટલાંક ખેડૂત વેપારીઓના માલ તોલતા હોવાનું જાણવા મળતા કેટલાંક ખેડૂતોએ આ બાબતે રાત્રે હંગામો કરતાં તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરવામાં આવી હતી તેમજ તેવા ખેડૂતોના નંબર ન આવવા છતાં તેમનો માલ પણ તોલી આપ્યો હોવાનું જાણવા મળતા ખેડૂતોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News