ડુંગળી બાદ બટાકાના ભાવમાં તેજી બટાકાના ભાવ વધ્યા પણ ખેડૂતો નિરાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-18 12:21:31
  • Views : 2295
  • Modified Date : 2019-12-18 12:21:31

બનાસકાંઠામાં જે  બટાકાએ ખેડૂતો અને વેપારીઓનો રાતા પાણીએ રડાવ્યા હતા. એ જ બટાકાનો ભાવ આજે આસમાને પહોંચ્યો છે.
શાકભાજીના રાજા ગણાતા બટાકાને પકવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હતી. છેલ્લાં ૫ વર્ષથી બટાકાના ભાવ તળિયે જતાં ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. જો કે આ વર્ષે
પણ બટાકાના સામાન્ય ભાવ રહેતા ખેડૂતોને ખાસ કંઈ ફાયદો થયો ન હતો. દેશભરમાં બટાટા હબ તરીકે પ્રસિદ્ધ થયેલા બનાસકાંઠામાં ગત વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થયુ હતુ. એક તરફ છેલ્લાં ૫ વર્ષથી બટાકામાં ભયંકર મંદી હોવાના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા. જેથી કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને પણ ગત વર્ષે સ્ટોર કરેલા બટાટા રોડ પર ફેંકવાનો વારો આવ્યો હતો. ગત વર્ષે બનાસકાંઠામાં ૭૮ હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. પરંતુ તેની સામે ઉત્પાદન ઓછું થયું હતું. માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ યુપી અને પશ્ચિમ બંગાળમાં પણ બટાકાનું
ઉત્પાદન ઓછું થયું હતું, તેમ છતાં પણ બટાકાનો ભાવ સમાન્ય રહ્યો હતો. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૨૦૦ જેટલા કોલ્ડ સ્ટોરેજમાં અઢી કરોડ બટાકાનો સંગ્રહ થયો હતો. પરંતુ ખેડૂતો અને
વેપારીઓને બટાકામાં લાંબા ગાળા સુધી કોઈ જ ફાયદો ન દેખાતા મોટાભાગના બટાકાનું વેચાણ કરી દીધું છે. જોકે હવે
પરિસ્થિતિ એવી નિર્માણ થઇ છે કે માર્કેટમાં બટેટા ઓછા છે અને તેની  માંગ ખુબ જ હોવાના કારણે છેલ્લે છેલ્લે પણ બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે. શરૂઆતની સિઝનમાં જે બટાકા હોલસેલમાં ચાર પાંચ રૂપિયે કિલો મળતા તેજ બટાકા હવે હોલસેલમાં ૨૦ થી ૨૨ રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. અત્યારે રીટેલમાં  બટાકા ૩૦ થી ૩૫ રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. આ અંગે જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ
ગણપતભાઈ માળીએ જણાવ્યું હતું કે આમ તો દર વર્ષે
પંજાબના બટાકાનું આ સમયે આગમન થઇ જાય છે. પરંતુ આ વર્ષે ત્યાં ચોમાસું હોવાનાં કારણે
પંજાબના બટાટા ગુજરાત સુધી આવી શક્યા નથી જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સ્ટોરમાં પણ માત્ર ૧૦ થી ૧૫ લાખ કટ્ટા જેટલા જ બટાકા બચ્ચા હોવાના કારણે પુરવઠાની સામે માંગ વધતા બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ખેડૂતો અને વેપારીઓ છેલ્લાં પાંચ વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે.  છેલ્લાં પાંચ વર્ષમાં બટાટાની ખેતી કરતા અનેક ખેડૂતો અને વેપારીઓ પાયમાલ થયા છે. સતત પાંચ વર્ષ સુધી મંદીના કારણે ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે હવે બટાકાનો ભાવ તો વધ્યો છે પરંતુ તેનો સીધો લાભ કોઈ જ ખેડૂતને થયો નથી. કારણકે અત્યાર સુધી સતત મંદી અને સામાન્ય ભાવના કારણે ખેડૂતો અને વેપારીઓએ તો મોટાભાગના બટાકા વેચી દીધા છે અને નાના ખેડૂતો તો બટાકા નીકળતા જ શરૂઆતમાં જે ભાવ મળે તે ભાવે વેચી દેતા હોય છે ભાગ્યે જ કોઈ વેપારી કે ખેડૂતોએ બટાકાનો સંગ્રહ કર્યો છે. જેથી બટાકાનો ભાવ ભલે વધુ હોય પરંતુ તેમા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોની કોઇ જ લાભ થયો નથી.
સતત મંદીના કારણે ગત વર્ષે પણ ખેડૂતોએ વ્યાજે અને ઉછીના નાણા લાવી બટાકાની ખેતી કરી હતી અને નાણા ભીડના કારણે બટાકા નીકળતા જ શરૂઆતની સિઝનમાં જ જે ભાવ મળે તે ભાવે બટાકાનું વેચાણ કરી દીધુ હતુ. જોકે હવે અચાનક બટાકાની માંગ વધતા આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય ખેડૂતોને તેનો સીધો કોઇ જ લાભ થયો નથી ત્યારે આ વર્ષે પણ બટાકાના આવા જ ભાવ જળવાઇ રહે તો જ નાના ખેડૂતોને પણ લાભ થઈ શકશે તેમ ખેડૂતોનું માનવું છે.

Download Our B K News Today App



Related News