બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો બેહાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 11:48:40
  • Views : 683
  • Modified Date : 2019-09-20 11:48:40

આ વર્ષે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોમાં સામાન્ય વરસાદ બાદ લોકોની પરિસ્થિતિ ગંભીર બની જાય છે. થરાદ તાલુકાના ત્રણ ગામ કે જ્યાં સામાન્ય વરસાદ થતાં જ ત્રણ ત્રણચાર ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે અને તેના નિકાલની પણ કોઇ જ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદના એક મહિના બાદ પણ અહીં ૫૦૦ એકર જેટલી જમીનમાં ચાર ચાર ,પાંચ પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ રહ્યુ છે, જેના કારણે અહીંના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે સાર્વત્રિક મેઘમહેર થઈ છે.
પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ કંઇક
પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. જેમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુર ગામ કે અહીં સામાન્ય વરસાદ થતાં જ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જવું એ સામાન્ય વાત થઈ ગઈ છે. કારણ કે આ વિસ્તારની પરિસ્થિતિ એ રકાબી જેવી છે જેના કારણે
આજુબાજુના ૧૦ થી ૧૫ જેટલા ગામોમાં વરસાદ થાય તો તે વરસાદી પાણી આ ગામોના ભરાઈ રહે છે. આ વર્ષે પણ થરાદમાં સિઝનનો ૨૦ ઇંચ જેટલો વરસાદ થયો છે તે પણ છુટક છૂટક , તેમ છતાં આ ત્રણ ગામમાં વરસાદના એક મહિના બાદ પણ ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ રહ્યુ છે, જેના કારણે અહીંના લોકોની હાલત કફોડી બની ગઈ છે. હાલમાં અહીં ત્રણ ગામોની ૫૦૦ હેક્ટર જેટલી ખેતીની જમીનમાં પાણી ભરાઈ રહેલું હોવાથી ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેહાલ બની ગયા છે.
વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ માં થરાદ તાલુકામાં ભારે પુર આવ્યું હતું. ત્યારે અધિકારીઓ મુલાકાત લઈ ગયા હતા અને ઘટતુ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ૨૦૧૮ માં વરસાદ ન આવતા એકપણ અધિકારી દેખાયા ન હતા. જ્યારે હવે ૨૦૧૯ માં ફરી પુર જેવી પરિસ્થિતિ થઈ છે, ત્યારે થરાદના ખાનપુર, નાગલા, ડોડગામમાં પાણી ભરાયા છે, જેથી ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો છે. અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે ત્રણ ગામની મુલાકાત લઈ પુર પીડિતોને સહાય કરવાની ખાતરી આપી હતી. પરંતુ હવે આ સહાય ક્યારે મળશે? તે કોઈ નક્કી નથી. થરાદ તાલુકામાં ગત વર્ષ ૨૦૧૫-૨૦૧૭ માં આવેલ ભારે પુરના કારણે તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા ખાનપુર, નાગલા, ડોડ ગામમાં અસર થઈ હતી અને આખુ વર્ષ ખેતરોમાં  પાણી ભરાતા ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ આ ત્રણેય ગામની મુલાકાત લીધી હતી અને ગામોના પુનઃસર્જન કરવા માટે રાજ્ય સરકાર પુરતી મદદ કરશે, તેની ખાતરી આપ્યા બાદ ૨૦૧૮ માં વરસાદ ન પડતા લોકો પુનઃ વસવાટની વાત ભુલી ગયા હતા. બાદમાં ફરી આ ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે આ ત્રણે ગામોમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ખેતી લાયક જમીનમાં પાણી ભરાઈ ગયા છે. અહીં ગામમાં આવવાના મોટાભાગના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર લગભગ બંધ જેવી હાલતમાં છે. જેના કારણે અહીંના લોકો ખેતરોમાંથી રસ્તા કાઢીને અવર જવર કરી રહ્યા છે.  આ અંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે આ વિસ્તારની મુલાકાત તેમણે રૂબરૂ લીધી હતી અને અગાઉ ૨૦૧૭ માં પણ અહીં પાણી ભરાઈ જતા પમ્પિંગ દ્વારા પાણી કઢાયું હતું. પરંતુ આ વર્ષે અહીં પાણીના કાયમી ઉકેલ માટે સરકારમાં
પ્રપોઝલ મુકેલી છે જેથી જલ્દી અહીંના લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે. નેતાઓ અને અધિકારીઓ માત્ર દિલાસો આપીને છુમંતર થઈ જાય છે પણ અહીંના લોકોને સમસ્યા જૈસે થેની પરિસ્થિતિ માં જ છે. છેલ્લાં ૬ વર્ષથી મુશ્કેલી વેઠી રહેલા લોકોને સરકાર બદલાઈ અધિકારી ઓ બદલાયા પણ તેમની આ સમસ્યામાંથી હજુ સુધી કોઈએ છુટકારો
અપાવ્યો નથી. ત્યારે હવે સરકારમાં મુકેલી પ્રપોઝલ ક્યારે મંજૂર થાય છે અને ક્યારે આ ત્રણ ગામના લોકો ફરી પાછા ઘર અને ખેતરો ભેગા થાય છે તે તો જોવુ રહ્યુ.


Download Our B K News Today App



Related News