વરસાદ ખેંચાતા અમીરગઢ વિસ્તારના ખેડૂતો બન્યા ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 10:53:15
  • Views : 548
  • Modified Date : 2019-07-14 10:53:15

અમીરગઢ તાલુકામાં પ્રથમ વરસાદ  થતાની સાથે જ ખેડૂતો વાવેતર કરી બેસી ગયા છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી રાતદિવસ  સતત
પવન ફૂંકાતો રહેવાથી  ચોમાસુ ખેંચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેથી  દુષ્કાળ જેવી
પરિસ્થિતિ તો નહિ  સર્જાયને તેવી ચિંતા અમીરગઢના તાતને સતાવી રહી છે.
અમીરગઢ એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. અહીં ખાસ કરીને લોકો
પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ગયા વર્ષ નહિવત  વરસાદ વરસતાં અમીરગઢ તાલુકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કર્યો હતો અને હજુ  પણ ચારે કોર પાણી પાણીના પોકારો સંભળાઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ અમીરગઢ પંથકમાં મેઘરાજા જગતના તાતને હાથ તાળી આપી જાણે છું  મંતર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમીરગઢના ખેડૂતો મેઘરાજાની  કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલતો અમીરગઢ પંથકોમાં રાત દિવસ પવન ફૂંકાતો ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે ખેડૂત સહિત અન્ય વેપારીગણ પણ ચિંતામાં મુકાઈ ગયા છે કે આ વર્ષ જો વરસાદ નહીં આવે તો શું થશે..?કારણકે હાલ તો અમીરગઢ પંથકમાં મોટાભાગે ખેડૂતોએ મેઘરાજાના પ્રથમ આગમનથી મોંઘા મોંઘા બિયારણ અને ખાતરો લાવી વાવેતર કરી નાખ્યું છે. પરંતુ મેઘરાજ ક્યારે મહેરબાન  થાય છે  એ એક ચિંતાનો વિષય થઈ ગયો છે અને જાણે અમીરગઢ ખેડૂતોની કુદરત કપરી પરીક્ષા લેતા હોય તેમ એક પણ વરસાદી ઝાપટું પડી રહ્યું નથી. ત્યારે હવે અમીરગઢ પંથકના ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઇ રહયા છે અને એક અરજ કરી રહયા" છે   હે બાપ મારા મેહુલિયા એક વાર તો આવી જા ,બાપ શું કામ અમને આટલી રાહ જોવરાવી  રહ્યો છે.  હવે તો સોશિયલ મીડિયામાં પણ લોકો તને પત્રિકા લખી  અરજ કરે છે. આવ બાપુલિયા આવ..! ખેડૂતોએ મેઘરાજાની આશાએ આ વર્ષે મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી ખેતી કરી છે. જેમાં કપાસ, એરંડા મગફળી, ગવાર, અડદ, બાજરી, જુવાર, તલ જેવા બિયારણો લાવી વાવણી કરી છે અગાઉ પણ અમીરગઢ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે પાણીના તળો ઊંડા જતા રહ્યા છે અને તળાવો અને જળાશયો  પણ સૂકા ભટ્ટ પડ્‌યા છે.  જો આ વર્ષે વરસાદ નહીં આવે તો  આ વિસ્તારના લોકો માટે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાવાની સાથે હિજરત કરવાની પણ નોબત આવે તેવું જણાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News