કુડાના હત્યા કેસમાં તંત્ર અને અગ્રણીઓની ખાત્રી બાદ લાશો સ્વીકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 10:49:45
  • Views : 806
  • Modified Date : 2019-06-23 10:49:45

લાખણી તાલુકાના કુડા ગામે થયેલી એક જ પરિવારના ચાર સભ્યોની સામુહિક હત્યાનું રહસ્ય બીજા દિવસે પણ વણ ઉકેલ્યું રહ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા અને અગ્રણીઓ ની સમજાવટ અને ન્યાયની ખાત્રી બાદ પરિવાર બીજા દિવસે સાંજે ૫ વાગ્યા આસપાસ મૃતકોની લાશ સ્વીકારવા તૈયાર થયો હતો. જ્યારે તંત્રએ હત્યાનો ભેદ ઉકેલવા માટે સીટની રચના કરી તપાસ હાથ ધરી હતી.
મૂળ લાખણીના કેશરસિંહ ગોળીયા ગામના કરસનજી સોનાજી પટેલનો પરિવાર કુડા ગામે રહેતો હતો. જે પરિવાર ગુરૂવારની રાત્રીના સમયે
પોતાના ઘરે ભરનિદ્રામાં સૂતો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે પરિવારના ચાર સભ્યોના ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જ્યારે ઘરના મોભી કરશનભાઇ પટેલ ઝેરી દવાના નશામાં આંગણામાં તરફડીયા મારતા હતા. જેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાબતે કરશનજીના સાળા તેજાભાઇ ચમનાજી પટેલે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે હત્યારો ન ઝડપાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. જે ઘટનાને પગલે લાખણી બજારના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા હતા. જ્યારે ઘટનાના બીજા દિવસે પણ ચાર ચાર હત્યાનું રહસ્ય અકબંધ રહેતાં હજારોની સંખ્યામાં લોકો લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે પોતાના ધરણાં ચાલુ રાખ્યા હતા. જેથી ઘટનાની ગંભીરતા સમજી લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં સાંજના સમયે સાંસદ પરબતભાઇ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ તથા જિલ્લા પોલીસવડાએ પરિવારને ન્યાયીક તપાસની ખાત્રી આપતાં પરિવાર લાશો સ્વીકારવા તૈયાર થયો હતો. સિધ્ધપુર ખાતે અંતિમવિધિ કરવાનું જણાવ્યું હતું. જેથી તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News