ધાનેરાના કરાધણી ખાતે સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:34:11
  • Views : 430
  • Modified Date : 2019-11-03 11:34:11

ધાનેરા તાલુકાના કરાધણી ગામે પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કરાધણી ગામે રાખવામાં આવ્યો હતો. જેમાં ૭ ગામોને આવરવામાં આવ્યા હતા. પરંતુ હવે લોકોને આ સેવાસેતુ કાર્યક્રમ પ્રત્યે અણગમો હોય તેવુ જોવા મળ્યું હતુ આ કાર્યક્રમમાં કરાધણી ગામ સિવાયના લોકો જોવા મળ્યા ન હતા તેમજ આ કાર્યક્રમમાં આરોગ્ય, તાલુકા પંચાય તેમજ પશુપાલનની જ કામગીરી હતી. જ્યારે અન્ય વિભાગોમાંથી કોઇ જોવા મળ્યુ ન હતું.
સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ કરીને લોકોને ઘરેબેઠા તમામ સુવિધા મળે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ સરકાર દ્વારા હાલ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ હવે લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં માત્રને માત્ર ૨૫ થી ૩૦ લોકો આવતા હોય છે. જ્યારે બીજી તરફ આ કાર્યક્રમમાં અધિકારી અને કર્મચારીઓ વધારે જોવા મળતા હોય છે. શનિવારે કરાધણી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાલેર, કરાધણી, ફતેપુરા, સોતવાડા, રામપુરામોટા, વોડા, રૂણી વગેરે ગામને આવરી લેવામાં આવ્યા હતા અને સવારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવતા ભાજપના તાલુકા પ્રમુખ જગદિશભાઇ પટેલ તેમજ આરોગ્ય અધિકારી ડા. પી.એમ.ચૌધરીએ દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવતા મોટા પ્રમાણમાં લોકોએ આર્યુવેદિક ઉકાળાનુ સેવન કર્યુ હતુ. જ્યારે મા અમૃતમ કાર્ડ તેમજ અન્ય આરોગ્યલક્ષી સેવાઓ સાથે સાથે તાલુકા પંચાયતની કામગીરી તેમજ પશુપાલન વિભાગ અને વિજકંપનીની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમમાં લાભાર્થીઓની સંખ્યા નહીવત જોવા મળી હતી. ત્યારે બીજી તરફ જે લોકો પોતાના આધારકાર્ડ કે ચુંટણી કાર્ડની કામગીરી માટે આવ્યા હતા તેવા લોકોના કામ થયા ન હતા કે આ વિભાગમાંથી કોઇપણ અધિકારી કે કર્મચારી ન આવતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. આ કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ જગદિશભાઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી, મદદનીશ ટી.ડીઓ. રમેશભાઇ પટેલ, આંગણવાડીના સી.ડી.પી.ઓ, ખીંમત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ, તાલુકા પંચાયતની વિવિધ ટીમો, પશુપાલન વિભાગના ડા. નટુભાઇ પટેલ તથા તેમની ટીમ તેમજ સરપંચ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News