પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનની બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:12:20
  • Views : 490
  • Modified Date : 2019-05-04 12:12:20

પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના આગોતરા આયોજન અંગે પ્રિ-મોન્સુન પ્લાનની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે નક્કર આયોજન કરવા કલેકટરે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સૂચના આપી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં કલેકટર સંદિપ સાંગલેએ ચોમાસાને અનુલક્ષીને જયાં વધારે પાણી ભરાતુ હોય ત્યાં પાણીના નિકાલ અંગે, નીચાણવાળા વિસ્તોરોમાં રહેતા લોકોને જરૂર પડ્યે સલામત સ્થળે ખસેડવા અને જરૂરી સહાય આપવા અંગે ગ્રામ્યકક્ષા સુધી જરૂરી આયોજન કરવા તથા તેની અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપી તેની જિલ્લા કક્ષાએ જાણ કરવા, ચોમાસાની સિઝનમાં સજાગ રહેવા તથા જિલ્લામાં કોઇપણ ઘટના બને ત્યારે તરત જ આપણા તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કલેકટર સહિત વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે રેઇન ગેજની ચકાસણી કરવા, જિલ્લામાં આવેલ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમની મરામત અને દરવાજા ગ્રીસીંગ વગેરે કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. કલેકટરે સંબંધિત અધિકારીઓને તાલુકા અને નગરપાલિકાઓનો ડિઝાસ્ટલર પ્લાન બનાવી તાકીદે મોકલી આપવા જણાવ્યું  હતું. ઉપરાંત પૂર-રાહતના સાધનો ચકાસી લેવા, આશ્રય સ્થાનોના કોન્ટેકટ નંબર મેળવી લેવા તેમજ તલાટીઓને પોતાના કાર્યક્ષેત્રના ગામોની મુલાકાત લઇ સર્વે કરવા જણાવ્યું હતું. રાહત અને બચાવ માટે બોટ સાથે તરવૈયા રાખવા અંગે આગોતરૂ આયોજન કરવા પોલીસ વિભાગને જણાવ્યું  હતું. શહેરી વિસ્તારમાં મામલતદારો અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીઓએ નાનામાં નાની બાબતો આવરી લઇ પ્લાન બનાવવા કલેકટરે જણાવ્યું  હતું. પૂરની સમયસર ચેતવણી આપવી,  વીજ પુરવઠો જાળવવા, રસ્તાઓના ડેમેજ સમયે તાત્કાલિક મરામત માટે ટુકડીઓ તૈયાર રાખવી, આરોગ્ય  કેન્દ્રો તથા હાÂસ્પટલોમાં પુરતી દવાઓનો જથ્થો રાખવા જણાવ્યું  હતું. વરસાદના સમયે જોખમ હોય તેવા પાણીના વહેણમાં બસ ન ઉતારવા અંગે ડ્રાઈવરોને તાલીમ આપવી, ભારે વરસાદની ખેડૂતો અને પશુપાલકોને અગાઉથી જાણ કરી તેમના જાન-માલ અને પશુપાલનને બચાવવા શું કરી શકાય તેની સૂચનાઓ આપવી, પાણી વિતરણની વ્યવસ્થા જાળવવી, શાળાના બાળકોની સંભાળ માટે શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરવા સહિત તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી ચોક્કસાઇપૂર્વક કામગીરી કરે તે માટેનું આયોજન અત્યારથી જ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા  વિકાસ અધિકારી બી.એ.શાહ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.     


Download Our B K News Today App



Related News