રાજ્યમાં બળજબરી-ધાકધમકીથી બંધ કરાવનારા તત્વો સામે કડકાઇથી કામ લેવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:32:35
  • Views : 309
  • Modified Date : 2020-12-08 11:32:35

મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ તા.૮ મી ડિસેમ્બરે આપવામાં આવેલા ભારત બંધના એલાનને કોંગ્રેસ અને રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર ગણાવ્યું છે.  મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો મોદી સરકાર વિરૂદ્ધ
પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા આ આંદોલનમાં ખેડૂતોના નામે કૂદી પડી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ દર વખતે
પોતાના વલણ અને રંગ બદલતી રહે છે જે કોંગ્રેસે ર૦૧૯માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહેલું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો એપીએમસી એકટ નાબૂદ કરશે. અને તમામ બંધનો હટાવી લેશે.   જ્યારે મોદી સરકારે ખેડૂતોના હિતમાં આ પગલું લીધું ત્યારે એ જ કોંગ્રેસ ખેડૂતોના નામે મોદી સરકાર વિરૂદ્ધ આંદોલન કરવા નીકળી પડી છે, એ જ બતાવે છે કે તેમના હૈયે ખેડૂતોનું હિત નહિ પોતાનો રાજકીય એજન્ડા જ રહેલો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલાં પ્રજાને જવાબ આપે કે ભૂતકાળમાં તમે જ આ સુધારાઓ, એપીએમસી એકટ નાબૂદીની વાત કરી હતી. હવે આ તો મોદી સરકાર જશ લઇ જશે તેવો ભય લાગતાં કેમ ફેરવી તોળો છો ? તેમણે ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે ખેડૂત નેતાઓએ પણ
સ્પષ્ટતા કરી છે કે અમારા
આંદોલનમાં કોઇ રાજકીય
પાર્ટીને જાેડીશું નહિ, ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો સામે ચાલીને આ બંધના સમર્થનમાં વણ નોતર્યા કૂદી પડયા છે. ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કોંગ્રેસીઓ અને
વિપક્ષોને જવાબ આપતાં કહ્યું કે, કોંગ્રેસનું તો અસ્તિત્વ જ ખતમ થઇ ગયું છે. લોકસભા-વિધાનસભા ચૂનાવથી માંડીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ નામશેષ થઇ ગઇ છે.  પ્રજા હવે કોંગ્રેસ સાથે નથી અને કોંગ્રેસની રાજકીય દાવાપેચની નીતિઓને બરોબર ઓળખી જઇ જાકારો આપી દીધો છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.  
યોગેન્દ્ર યાદવે એ ટવીટમાં પ્રધાનમંત્રી  નરેનદ્રભાઇ મોદીને એપીએમસી એકટ સહિત ખેડૂત કાનૂન સુધારા માટે કહેલું એ જ યાદવ આજે માત્ર પોતાનું
રાજકીય હિત સાધવાના ઉદેશ્યથી વિરોધ કરે છે.  આ બધા જ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકી રહે, યેનકેન પ્રકારે લોક નજરમાં રહી શકાય તેવા ઉદેશ્યથી ખેડૂતોના નામે આંદોલનમાં સામેલ થઇ કિસાનોને ભ્રમિત કરે છે એમ મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું.
આ નવા સુધારા કાયદાથી મોદી સરકાર ખેડૂતોને પોતાની પેદાશ દેશમાં ગમે ત્યાં વેચવાની છૂટ આપી રહી છે અને ખેડૂતને આર્થિક સક્ષમ બનાવવાની દિશા આપી રહી છે ત્યારે ખેડૂતોને ગૂમરાહ કરવા નીકળેલા
વિપક્ષોની કોઇ ચાલ સફળ નહિં થાય એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ ગુજરાતમાં આ ખેડૂત આંદોલનને કોઇ ખેડૂતોનો ટેકો મળ્યો નથી તેમ સ્પષ્ટ જણાવતાં ઉમેર્યુ કે, ગુજરાતમાં પાછલા ૩ વર્ષમાં સરકારે ૧પ હજાર કરોડથી વધુની ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદીને જગતના તાતને આર્થિક સક્ષમ બનાવ્યો છે.  મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવતીકાલે આંદોલન કે બંધના નામે બળજબરીથી બંધ કરાવનારા અને કાયદો વ્યવસ્થાની સ્થિતી ડહોળવા માંગતા તત્વો સામે કડક
પગલાંથી કામ લેવાશે એમ સાફ શબ્દોમાં જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે, રાજ્યમાં બંધને સફળતા મળશે નહિ અને જે એપીએમસી  પોલીસ બંદોબસ્તની માંગ કરશે તેને પૂરતો બંદોબસ્ત પણ સરકાર આપશે.  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજા સમક્ષ આ આંદોલન સંદર્ભે સાચી વાત મૂકી છે.

Download Our B K News Today App



Related News