સિધ્ધપુર તાલુકાના આંકવી ગામે જૂથ અથડામણ : ૧૨ ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 12:09:56
  • Views : 537
  • Modified Date : 2019-06-06 12:09:56

સિધ્ધપુર તાલુકાના આંકવી ગામમાં ગત મંગળવારની મોડી સાંજે  એકજ કોમના બે પરિવારના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં બન્ને પરિવારના ૧૦૦ થી વધુ લોકો સામસામી ધારિયા, તલવાર, લોખંડની પાઇપો અને લાકડાના ધોકાઓ વડે હુમલો કરતા એક પરિવારના ૩ અને બીજા પરિવારના ૯ લોકોને ઈજાઓ થવા પામી હતી. જેમાં એક મહિલા અને બાળકીને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને સિધ્ધપુરની સિવિલ અને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.  આ હુમલામાં હુમલાખોરોએ ત્રણ રીક્ષા તેમજ બાઈક અને મકાનોના માલસામાનની તોડફોડ કરી નુકશાન કર્યુ હતું. તેમજ ઠાકોર પોપટજીના વાડામાં પડેલ ઘાસચાળો સળગાવી દઈ નુકશાન કર્યુ હતું. જૂની અદાવતને લીધે સર્જાયેલ જૂથ અથડામણથી આંકવી ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાતા ગામમાં પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા અને સિધ્ધપુર પી.આઇ. વાય.બી.જાડેજા દ્વારા ગામનું નિરીક્ષણ કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ બાબતે બન્ને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધવા પામી છે.આ ઘટનાને લઈને ઠાકોર વિરમજી સરતનજી રહે. આંકવી વાળાએ તેમની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક મહિના પહેલા તેમના ભત્રીજાના લગ્નમાં સામે વાળા લાલજી ચેલાજી ઠાકોરના અને તેમના કુટુંબના માણસોએ બોલાચાલી કરી પથ્થરમારો કર્યો હતો. જેની અદાવત ચાલતી હતી ત્યારે મંગળવારની સાંજે મારી રીક્ષા લઈ ઘરે જતો હતો ત્યારે અમારા ગામના ઠાકોર ભોપાજી રામજી, ઠાકોર ચંદનજી તેજાજી અને ઠાકોર પિયુષજી રવજી હાથમાં ધારિયું લઈ આવી મારી રિક્ષાના કાચ તોડી માથામાં ધારિયું મારી ઈજાઓ પહોંચાડી હતી. તે વખતે તેનું ઉપરાણું લઈ ગામના તેમના માણસો ધારિયા, તલવાર, લોખંડની પાઇપો, લાકડાના ધોકા લઈ આવી  અમારા પરિવારના ૯ માણસોને ગંભીર ઈજાઓ કરી હતી. જ્યારે સામ પક્ષે ઠાકોર અશોકજી દલસંગજી રહે. આંકવી વાળાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ નોકરીથી પરત આવી રહ્યા હતા ત્યારે આંકવી ગામની સીમમાં અમારા ગામના ઠાકોર વિક્રમજી લાલાજી, ઠાકોર સિધ્ધરાજજી દશરથજી, ઠાકોર વિરમજી સરતાનજી ત્રણે જણા અગાઉથી બેઠેલ હતા અને મને આંતરીને મારવા આવતા હું મારુ બાઈક ફેંકીને નાસતા બોરડીના ઝાડ પાસે ખાડો હોવાથી હું પડી જતા લોખંડની પાઇપો વડે ફટકા મારતા મેં બુમાબુમ કરતા આ લોકોએ ફોન કરી બીજા તેમના માણસોને બોલાવતા બીજા માણસો તલવાર, ધારિયું, લોખંડની પાઇપ, ધોકા લઈ આવી મને અને મને બચાવવા આવેલ લોકોને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. અમો ભયના લીધે સિધ્ધપુરના બદલે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે આ જૂથ અથડામણ અંગે સિધ્ધપુર પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






Download Our B K News Today App



Related News