બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 11:54:07
  • Views : 901
  • Modified Date : 2020-08-10 11:54:07

બનાસકાંઠા જિલ્લામાં  બીજા દિવસે પણ હળવા ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો.  રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લાં એક ત્રણ દિવસથી  અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.  આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ડીસા ઃ શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી. શહેરમાં ગરમીનો પારો ઉંચો રહેતા લોકો ઉકળાટ અનુભવતા હતા. પરંતુ વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
વડગામ  ઃ વડગામ તાલુકામાં ચોમાસું અડધા ઉપર વિતવા છતાં વરસાદ ન પડતાં તાલુકા ભરમાં ખેડૂતો અને
પશુપાલકોની હાલત દયનીય બની રહી છે. ખેડૂતો દ્વારા મોંઘાભાવે બિયારણો લાવીને વાવવામાં આવ્યા હતા. પરંતુ વરસાદના અભાવે ખેડૂતોનો મહામુલો પાક મુરઝાવા લાગ્યો હતો. ત્યારે રવિવારની સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. બાદમાં ૧૦ થી ૪ વાગ્યા સુધી ૪૩ મી.મી. વરસાદ ખાબક્યો હતો. આમ તાલુકામાં નવ કલાકમાં સવા બે ઇંચ વરસાદથી તાલુકાના લોકોમાં આનંદ છવાયો હતો. તાલુકાના ખેડૂતોના પાકને જીવતદાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઇ છે. નવ કલાકમાં પડેલા સવા બે ઇંચ વરસાદથી વડગામ સહિત તાલુકાના ગામડાઓમાં પાણી ભરાયા હતા. વડગામ મામલતદાર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સુત્રો પાસેથી સતાવાર વરસાદના આંકડા જાણવા મળ્યા હતા. આમ મોડે મોડે પણ વરસાદના આગમનથી લોકોમાં આનંદ છવાયો હતો.
ગઢ ઃ  ગઢ પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મેળવી હતી અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. એરંડા અને જુવારના વાવેતરને લઈને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, ત્યારે વહેલી સવારથી જ વરસાદી મોહોલ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
દિયોદર ઃ  લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ચાર પાંચ દિવસથી છૂટો છવાયો વરસાદ થતો હતો.  ત્યારે બપોરે વરસેલા સાર્વત્રિક વરસાદે ખેડૂતોના મુખ ઉપર રોનક લાવી દીધી છે. વરસાદ વિના માનવ સહિત  પશુ પંખી પણ આકુળ વ્યાકુળ હતા. ત્યારે વરસાદી હેલી થતા સૌ કોઈએ રાહત અનુભવી હતી અને ખેડૂતોના બળતા પાકને જીવતદાન મળી ગયું છે. શહેરની માધવ પાર્ક,
પોલીસ સટેશન રોડ, રેલવે ઓવરબ્રિજની સાઈડો તેમજ નીચાણવાળા તેમજ સ્લમ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારથી જ વરસાદ ચાલુ રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ વરસાદ આવતા આનંદની સાથે પાણીનો ભરાવો થતા લોકોએ હાલાકી પણ ભોગવી હતી.

Download Our B K News Today App



Related News