સરહદી-વિસ્તારના-છેવાડાના-ગામોમાં-પીવાના-પાણીની-પરિસ્થિતિનો-તાગ-મેળવતા-જિલ્લા-કલેક્ટર-આનંદ-પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:14:36
  • Views : 488
  • Modified Date : 2019-05-08 12:14:36

પાટણ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે જ્યાં ગયા વર્ષે નહિવત વરસાદ થતાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે પાટણ જિલ્લાના આઠ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના
પાણી અને ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે અનેક વિધ પગલા લીધા છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કાળઝાળ ગરમીની ચિંતા કર્યા વગર ભરબપોરે સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના છેવાડાના જાખોત્રા, એવાલ જેવા ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનો સાથે બેઠક યોજી કલેક્ટરએ
પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા ગામના અન્ય પ્રશ્નો પણ સાંભળ્યા હતા. ગ્રામજનો તથા તેમના પશુઓને વધુ પ્રમાણમાં અને સમયસર
પાણી ઉપલબ્ધ બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તો ગામના
પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે ઘાસડેપો શરૂ કરવા સુચના આપી હતી. સાથે સાથે કલેક્ટરએ એવાલ ગામે આવેલા બી.એસ.એફ કેમ્પની રૂબરૂ મુલાકાત લઈ બી.એસ.એફના જવાનો સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી.
સરહદી વિસ્તારના ગામોને પીવાના પાણીની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા તંત્ર દ્વારા ૮૦ કરોડના ખર્ચે ૬૦૦ એમ.એમ.ડાયાની ડી.આઈ.
પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનું નિરિક્ષણ કરતાં કલેક્ટરએ રાત-દિવસ કામ કરી ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. વહિવટી પ્રશ્ને આ કામગીરી આઈ.ઓ.સી દ્વારા અટકી હોવાનું માલુમ થતાં આઈ.ઓ.સી.ના અધિકારીઓ સાથે બેઠક કરી ૨૪ કલાકમાં મંજૂરી આપવા પણ જણાવ્યું હતું. આ પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયેથી સરહદી વિસ્તારના ગામોને પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. તો એવાલ ગામે ભવિષ્યમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તથા ગ્રામજનોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ ગામનું તળાવ ઉંડુ કરવાની તથા રણ તરફ વહી જતા વધારાના વરસાદી પાણીના સંગ્રહ માટે એક ચેકડેમ બનાવવાની તાત્કાલીક મંજૂરી આપી કામ શરૂ કરાવવા તંત્રને સુચના આપી હતી. આ મુલાકાતમાં રાધનપુર-સાંતલપુરના પ્રાંત અધિકારી એસ.ડી.ગીલવા, પાણી પુરવઠા વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર બી.જી. ભાવસાર, નર્મદા નિગમના અધિકારીઓ, મામલતદાર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News