પ્રતાપપુરા માઈનોર કેનાલમાં ગાબડું પડતાં જળબંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:03:44
  • Views : 556
  • Modified Date : 2019-11-15 11:03:44

વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં બુધવારે બપોરે ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે એરંડા અને દાડમનાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે બરફનાં કરા સાથે વરસાદને પગલે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. તો વળી બરફના કરા સાથેના વરસાદને કારણે શાકભાજી સહિત પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. એકબાજુ સરહદી વિસ્તારમાં કુદરત કોપાયમાન થયો છે.  બીજી બાજુએ સરહદી વિસ્તારમાં બનાવેલ ભ્રષ્ટાચારની કેનાલોમાં પાણી છોડવાની સાથે જ કાગળની માફક તૂટી જાય છે. ત્યારે સત્વરે કેનાલોનું રીપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વાવ તાલુકાના ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી પ્રતાપપુરા માઈનોર કેનાલમાં ભરશિયાળે ગાબડાઓ પડવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શિયાળુ સીઝન ચાલી રહેલ હોવાથી સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત રહેતી હોય છે.  કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડતાં ચારેતરફ ખેતરોમાં જળબંબાકારની ભયંકર સ્થિતિ સર્જાઈ હતી તો વળી એકતરફ કેનાલોમાં ગાબડાંઓ પડી રહ્યા છે ત્યારે બીજી તરફ કુદરત કોપાયમાન થતાં ભરશિયાળે બરફની વર્ષાએ ખેડૂતોને પાયમાલ કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ ઉઠી છે.
આ અંગે પ્રતાપપુરાના ખેડૂત વાલજીભાઈ માળીએ જણાવ્યું હતું કે શિયાળુ સીઝન ચાલી રહી છે અને કેનાલોમાં ગાબડાઓ પડવાથી ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને મોંઘા ભાવના બિયારણ સહિત ટ્રેક્ટરનો ખર્ચો કર્યો તે પાણીમાં ગયો છે. ત્યારે ખેડૂતોને સ્તવરે સહાય ચૂકવાય તે જરૂરી છે. 

Download Our B K News Today App



Related News