ભાજપની જાહેરસભા બાદ પૈસા વહેંચવા બદલ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:49:39
  • Views : 662
  • Modified Date : 2019-04-17 05:49:39

૨૩ એપ્રિલના રોજ પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તાણા ગામે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કરેલા બાઈકસવારોને પૈસા વહેંચવા બાબતે તાલુકા પંચાયત ડેલીગેટ ગૌસ્વામી હંસપુરી ભેમપુરી સામે થરા પોલીસ મથકમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૫-કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ કાંકરેજ તાલુકાના તાણા ગામે તા.૦૯/૦૪/૧૯ ના રોજ ભારતીય જનતા પક્ષ દ્વારા યોજાયેલ પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા પૂર્ણ થયા બાદ સભાસ્થળ પાસે તાલુકા પંચાયત ડેલીગેટ ગૌસ્વામી હંસપુરી ભેમપુરી દ્વારા બાઈકસવારોને પૈસા આપતો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરલ થયો હતો. આ વિડીયોમાં ભાજપના હંસપુરી ગોસ્વામી પક્ષનો ખેસ ધારણ કરેલા બાઈકસવારોને પૈસા વહેંચી રહ્યા હોવાનું જણાતા ચૂંટણી અધિકારી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર-પાટણ દ્વારા ૧૫-કાંકરેજ વિધાનસભા મતવિસ્તાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને ઘટના બાબતે તાત્કાલીક તપાસ કરી આ અંગે જવાબદાર જણાય તેવા લોકો સામે લોકપ્રતિનિધીત્વ ધારાની કલમ ૧૨૩ અને આઈ.પી.સીની કલમ ૧૭૧(બી) હેઠળ કાયદેસરની પોલીસ ફરિયાદ સહિતની આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે પૂરતી તપાસ બાદ તા.૧૪/૦૪/૧૯ ના રોજ હંસપુરી ગૌસ્વામી રહે. ગામ શિહોરી, તાલુકો કાંકરેજ સામે થરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર થરા દ્વારા કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News