સમી અને શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:54:49
  • Views : 407
  • Modified Date : 2019-11-16 11:54:49

પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ હાલમાં પણ તાલુકાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હોય ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી શુક્રવારના રોજ આ બંને તાલુકાના ખેડૂતોએ ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી આ બંને તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને સરકારની જરૂરી સહાય આપવાની માંગ કરી હતી.
જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતો દ્વારા ચોમાસુ સીઝનમાં વાવેતર કરવામાં આવેલ કપાસ, એરંડા, જુવાર ઘાસચારો સહિતના પાકો ને ૯૦ ટકા જેટલું નુકસાન થતા ખેડૂતોને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્‌યો છે. આ બંને તાલુકાના સૌથી વધુ ગામોમાં નુકસાન થયુ હોવાનું ખેડૂતોનું કહેવું છે.
સમય અને શંખેશ્વર તાલુકામાં આજે પણ કેટલાંક ગામડાઓના ખેતરો વરસાદી
પાણીથી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ કરવા માટે ખેડૂતો મશીનો મૂકી ખેતરમાં ભરાયેલા પાણી ખાલી કરી રહ્યા છે. આ તાલુકાને અડીને આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાને સરકાર દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત તાલુકો જાહેર કરી  સરકારની આર્થિક સહાયનો ખેડૂતોને લાભ
આપવામાં આવી રહ્યો છે ત્યારે સમી અને શંખેશ્વર તાલુકામાં
પણ ભારે વરસાદ પડયો હોય આ તાલુકાઓને પણ અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા તેમજ આ તાલુકાઓમાં નર્મદાની કેનાલો નબળું
બાંધકામ કરવામાં આવેલ હોય અવારનવાર કેનાલો તૂટવાના કારણે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ ઉભા પાકોને નુકસાન થતુ હોય છે તેમજ કેનાલ તૂટવાના કારણે આગળના ગામડાના ખેડૂતોને પાણી મળી શકતું નથી. ત્યારે આ બાબતે  શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ
પાટણ કલેકટર કચેરી ખાતે એકત્રિત થઇ ચીટનીશ ટુ કલેકટર વિધિ બેન પટેલને આવેદનપત્ર આપી સરકાર દ્વારા સમી શંખેશ્વર તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી સરકાર દ્વારા મળતી આર્થિક સહાય આપવા પાક વીમાની સહાય આપવા અને નર્મદાની કેનાલના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. તેમજ જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કલેકટર કચેરી ખાતે ભૂખ હડતાલ જેવા આક્રમક કાર્યક્રમ આપવાની ચિમકી
આપી હતી.

Download Our B K News Today App



Related News