અમદાવાદમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં સ્વાદુપિંડ-આંતરડાંની બીમારી વધી, એકનું આંતરડું કાળું 3.5 ફૂટ જેટલું કાપવું પડ્યું, સ્વાદુપિંડ સડી જતા આખેઆખું કાઢી નાંખ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 13:33:33
  • Views : 433
  • Modified Date : 2020-12-21 13:33:33

    કોરોનાથી સાજા થયેલા દર્દીમાં નાક અને આંખ વચ્ચેનાં હાડકાંથી લઈને મગજ સુધી પહોંચતી ફંગસની બીમારી બાદ હવે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડાં અને સ્વાદુપિંડ જેવાં અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 જેટલા કેસમાં દર્દીનું કાળું પડી ગયેલું આંતરડું અને સડી ગયેલુું સ્વાદુપિંડ કાઢવાની તેમજ ગોલ બ્લેડરની 4થી 6 કલાકની સર્જરી કરાઇ છે તેમજ જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય એવા 5 દર્દીને બચાવી શકાયા નથી.દર્દીને સામાન્ય પેટના દુખાવાથી શરૂ થતી આ તકલીફનું ઝડપથી નિદાન થતું નથી, પરંતુ દર્દીને દુખાવો અસહ્ય બને છે ત્યારે સર્જન દ્વારા પેટના સીટી સ્કેનમાં આંતરડું કાળું પડી ગયાનું તેમજ પેન્ક્રિયાસ સડી ગયાનું નિદાન થાય છે, ત્યારે સર્જરી સિવાય કોઇ ઉપાય હોતો નથી.

    કોરોનાથી સાજા થયા હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેમજ 50 વર્ષથી વધુ વય, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઇ બ્લડપ્રેશરના દર્દી.કોરોનાનાં 70 વર્ષીય નારાયણબેન વર્માને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ લઇ જવાયાં,જ્યાં તેમની પ્રાથમિક તપાસમાં પેટનો સામાન્ય દુખાવો લાગ્યો, પણ સર્જને દર્દીનું સીટી સ્કેન કરતાં આંતરડું કાળું પડી ગયાનું જણાતાં સર્જરી કરીને 3.5 ફૂટનું આંતરડું કાઢવું પડ્યું.કોરોનાથી સાજા થયેલા 52 વર્ષીય રુપેશ પટેલ (નામ બદલ્યું છે) પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ થયા હતા. દર્દીની સીટી સ્કેનથી તપાસ કરતાં 80 ટકા પેન્ક્રિયાસ સડી ગયું હતું, જેથી દર્દીનો જીવ બચાવવા માટે આખું પેન્ક્રિયાસ કાઢી નાખવું પડ્યું.સુશ્રૂષા હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જન ડો. ઈશાન શાહે કહ્યું- કોરોના બાદ સાજા થયેલા દર્દીમાં પેટમાંથી આંતરડાંને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ( મેસેન્ટિક ઇસ્કેમિયા) થતાં 7 જેટલી સર્જરી કરાઇ છે, જેમાં એક વૃદ્ધાનું 3.5 ફૂટ જેટલું કાળું પડી ગયેલા આંતરડાને સર્જરીથી કાઢી 5 દિવસ આઇસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા. જ્યારે એક દર્દીનું 6થી 7 ફૂટનું આખું આંતરડું કાળું પડી જતાં બચાવી શકાયા નથી.

    ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંકના જણાવ્યા અનુસાર, કોરોના બાદ સાજા થયેલા 4 દર્દીની પેટની નસમાં બ્લોકેજ થતાં બે દર્દીનાં કાળાં પડી ગયેલાં આંતરડાં કાપવા પડ્યાં છે તેમજ 1 દર્દીનું પેન્ક્રિયાસ 80 ટકા સડી જતાં કાઢવું પડ્યું છે, જયારે અન્ય એક દર્દીના ગોલ બ્લેડરની સર્જરી કરાઇ છે. આ ચારેય દર્દી 50થી વધુ વયના હતા, તેમાંથી 2 દર્દીને ડાયાબિટીસ, 1ને પહેલાં અટેક આવ્યો હતો, જ્યારે 1ને હાઇ બીપી હતું.સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ એસો. પ્રોફેસર ડો. અપૂર્વ શાહે કહ્યું- માર્ચથી ડિસેમ્બરના કોરોનાકાળ દરમિયાન સિવિલમાં 15 સર્જરી કરાઇ છે, જેમાં મોટે ભાગે પેટમાંથી આંતરડાંને લોહી સપ્લાઇ કરતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડી જવાથી લઇને પેટના અન્ય અવયવોમાં લોહી ન પહોંચતાં સર્જરી કરવાની ફરજ પડી છે. જયારે 3થી 4 દર્દીના જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી જતાં તેમને બચાવી શકાયા નથી.

    શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 207 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 5 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે 206 દર્દીના સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. કેસની સમીક્ષાને આધારે રવિવારે મણિનગરનો એક વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યો હતો.







Download Our B K News Today App



Related News