વડાળી ગામે સિંહે રાત્રે વાછરડીનું મારણ કર્યુ, દિવસે સીમમાં આરામ ફરમાવ્યો, બામણગઢમાં પાંચ પાઠડા દેખાયા, સિંહનું ત્રીજું ગ્રુપ આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 15:27:40
  • Views : 364
  • Modified Date : 2021-01-11 15:27:40

    રાજકોટ તાલુકાને સિંહોએ જાણે પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હોય તેમ એક પછી એક સિંહના ગ્રુપ રાજકોટ તાલુકા તરફ આવી રહ્યાં છે. સિંહોનું ત્રીજુ ગ્રુપ રાજકોટ તાલુકામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 5 સિંહો બામણગઢમાં જોવા મળ્યાં હતા. જ્યારે વડાળી ગામમાં સિંહે એક વાછરડીનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ભય વધી રહ્યો છે. 2 દિવસ પહેલા પણ સિંહોએ વડાળી ગામમાં મારણ કર્યુ હતું. વડાળી ગામના આગેવાને જણાવ્યું હતું કે, વડાળી ગામમાં છેલ્લા 7 દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં 7 પશુના મારણ કર્યા છે.


    છેલ્લા 40 દિવસથી સિંહોએ રાજકોટ તાલુકામાં ધામા નાખ્યા છે. આ સિંહોએ અત્યાર સુધીમાં 40થી વધુ મારણ કર્યા છે. આજે વડાળી ગામમાં એક વાછડીનું મારણ કર્યુ હતું. જ્યારે 2 દિવસ પહેલા પણ સિંહોએ વડાળી ગામમાં મારણ કર્યુ હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ અને પોલીસ કાફલો વડાળી ગામ પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે.

     રાજકોટમાં એક મહિનાથી સિંહ ત્રિપુટીએ મુકામ કર્યો છે અને આજી ડેમ સુધી પહોંચી ગયા છે. બીજું 10 સિંહનું ટોળું જેતપુરના આરબટીંબડી પાસે દેખા દઈ રહ્યું છે અને રાજકોટ-જૂનાગઢની સીમ પાસે છે. ત્યારે વધુ એક ગ્રુપ જેતપુરના બામણગઢ પાસે આવ્યું છે. જેતપુરમાં ખારચિયા પાસે આવેલા બામણગઢ ગામે બે દિવસ પહેલા સિંહ દેખાયાની વાત મળી હતી અને સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી અને શનિવારે આખી રાત જાગ્યા હતા અને ત્યારે પણ 3 સિંહ જોવા મળ્યા હતા.ગ્રામવાસીઓના મતે 10 સિંહના ટોળાંની દહેશત હતી પણ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ અન્ય ગ્રૂપ છે. જેમાં 5થી 6 સિંહ છે અને બામણગઢ, ખારચિયા તેમજ બાવાપીપળિયાની વીડી વિસ્તારમાં ફરી રહ્યાં છે. હજુ સુધી તેમણે રેવન્યૂ વિસ્તારમાં મારણ નથી કર્યુ. તેથી વીડીમાં જ તેમને ખોરાક મળી જતો હોવાની શક્યતા છે.


    વનવિભાગના સૂત્રો જણાવે છે કે, હાલ તો રાજકોટ જિલ્લાની હદમાં વિહરતા સિંહની સંખ્યા 8 થઈ છે. આ તમામ ગ્રુપ પાઠડાઓના છે એટલે કે પોતાના પરિવારમાંથી દૂર કરાયેલા યુવા સિંહ છે અને તે બધાએ જાણે નવા વિસ્તાર તરીકે રાજકોટ જિલ્લાને પસંદ કર્યુ હોય તેમ એક પછી એક ગ્રુપ જોવા મળી રહ્યા છે. સિંહની સંખ્યા વધે એટલે દરેક નરને પોતાનો અલગ વિસ્તાર શોધવો જરૂરી બને છે તે માટે પાઠડા 3 વર્ષની ઉંમરથી જ દૂર દૂરના વિસ્તારોમાં ફરે છે અને વધુમાં વધુ શિકાર કરીને કોઇ ગ્રુપના મુખ્ય નરને પડકારી શકે તેટલી શક્તિ ભેગી કરે છે અથવા તો કોઇ માદાને શોધીને નવો વિસ્તાર પ્રસ્થાપિત કરે છે.


Download Our B K News Today App



Related News