આવતીકાલથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે, વિદ્યાર્થીઓ ઘરેથી ભણશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-06 16:29:25
  • Views : 244
  • Modified Date : 2021-06-06 16:29:25

    રાજ્યની સ્કૂલોમાં આજે ઉનાળું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. આજે વેકેશન પૂર્ણ થતાં આવતીકાલથી સ્કૂલો ફરીથી શરૂ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થશે પરંતુ અભ્યાસ તો ઓનલાઇન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.

    રાજ્યભરની સ્કૂલોમાં આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું હશે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગત વર્ષ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. સરકાર દ્વારા જ્યાં સુધી ઑફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઓનલાઇન વર્ગ જ ચાલુ રહશે.

    શાળા સંચાલકના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ફરીથી સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ પણ 1 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવશે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.

    આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો.9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન:શરૂ કરવાની જાહેરાત કરી હતી.


Download Our B K News Today App



Related News