સુરતની સાંકડી ગલીઓમાં પાલિકાની સ્કૂલ જીવતા બોમ્બ જેવી, ફાયર વિભાગ કે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-02 14:46:47
  • Views : 66
  • Modified Date : 2025-04-02 14:46:47

સુરતની તક્ષશિલા અને શિવ શક્તિ માર્કેટની આગ દરમિયાન પાલિકાએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી કામગીરી કરી હતી. પરંતુ સુરતની સાંકડી ગલીઓમાં આવેલી પાલિકાની કેટલીક શાળા એવી છે જેમાં આગ લાગે ત્યારે કૂવો પણ ખોદાય નહીં તેવી સ્થિતિ છે. સુરત પાલિકા વિસ્તારની સાંકડી ગલીઓમાં પાલિકાની સંખ્યાબંધ સ્કૂલ જીવતા બોમ્બ જેવી બની ગઈ છે. આ સ્કુલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જો સ્કુલ ચાલુ હોય ત્યારે દુર્ઘટના સર્જાય તો ફાયર ન પહોંચી શકે તેમ હોવાથી ભગવાન જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવી શકે તેમ છે. જો પાલિકા તંત્ર હજુ નહીં જાગે તો માસુમ બાળકોના માથે જોખમ રહેલું છે. 

મ્યુનિ. કમિશ્નરે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1058 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં સ્થાયી સમિતિએ 44.50 કરોડનો વધારો કર્યો છે. સ્થાયી સમિતિ દ્વારા સુધારેલ બજેટમાં હવે શિક્ષણ સમિતિ માટે 1103 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં નવી શાળા શરુ કરવા માટે તો આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હાલની સ્થિતિમાં આગ લાગે કે દુર્ઘટના થાય તેવા સંજોગોમાં સાંકડી ગલીઓમાં આવેલી સ્કુલ માટે કોઈ વિચારણા કરવામાં આવી નથી. જેના કારણે પાલિકાના આઠ જેટલા મકાનમાં ચાલતી 18થી વધુ સ્કૂલો વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ છે. 

પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નાણાવટ પંડોળની પોળમાં શાળા ક્રમાંક 145 મીઠુબેન પિટીટ પ્રાથમિક શાળામાં 202 વિદ્યાર્થી અને શાળા ક્રમાંક 147 ડો. જાકીર હુસેન ઉર્દુ મિશ્ર શાળામાં 535 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં જવા માટે બે રસ્તા છે પરંતુ તેમાં મારુતી વાન તો ઠીક પણ રીક્ષા પણ માંડ પસાર થઈ શકે તેવી સાંકડી ગલીઓ છે. આવી જ રીતે ગોપીપુરા જગુ વલ્ભની પોળમાં 128 અને 130 નંબરની શાળા જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. આ શાળામાં પણ પ્રવેશ માટે બે રસ્તા છે પરંતુ એકમાં પણ ફાયરના વાહનો કે એમ્યુલન્સ પસાર થઈ શકે તેમ નથી. 

આ ઉપરાંત ઉમરવાડા લો કોસ્ટ કોલોનીમાં એક જ કેમ્પસમાં શાળા નં. 234 ઉર્દુ માધ્યમ શાળામાં 1400 વિધાર્થીઓ, શાળા નં. 74 ઉર્દુ માધ્યમમાં 1150 વિધાર્થીઓની છે. આ શાળામાં મેદાન છે પરંતુ શાળામાં પ્રવેશ માટે રસ્તાઓ સાંકડા છે કે રીક્ષા અને બાઈક પણ સાથે પસાર થઈ શકે તેમ નથી. ઉમરવાડા લો કોસ્ટ કોલોનીમાં  શાળા ક્રમાંક  190/191 ગુજરાતી માધ્યમ બન્ને શાળામાં 1400 વિધાર્થીઓ છે જ્યારે શાળા ક્રમાંક 192/193 ઉર્દુ માધ્યમ બન્ને શાળામાં 1100 વિધાર્થીઓ છે. આ ઉપરાંત લિંબાયત સંજય નગર અને મીઠી ખાડીઓમાં પણ સાંકડી ગલીઓમાં અનેક શાળા છે તેમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 

Download Our B K News Today App



Related News