છેલ્લા 11 દિવસમાં 535 સ્થળોએ પેચવર્ક કરાતા અમદાવાદીઓએ અનુભવ્યો હાશકારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 16:07:38
  • Views : 96
  • Modified Date : 2023-07-11 16:07:38

ડામર અને પાણી વચ્ચેનાં વેરના કારણે દર ચોમાસામાં શહેરના રોડને ઓછા-વધતા પ્રમાણમાં ઘસારો લાગે છે. વરસાદની ઋતુ આવે એટલે કે અમુક રોડમાં રકાબી આકારના ખાડા પડી જતા હોય છે. કેટલાક રોડ વોરન્ટી પિરિયડ બહારના હોય તો તે ધોવાય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં પણ રોડ પરના ખાડા પૂરવાની કામગીરી સતત હાથ ધરાતી રહી છે. તંત્ર જે તે રોડના ખાડાને પૂરવાની કામગીરીમાં ધમધમાટ કરતું હોઈ એકલા પશ્ચિમ ઝોનમાં છેલ્લા 11 દિવસમાં 220 જેટલા રોડમાં પેચવર્કનાં કામ કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.રોડ પર ખાડા પડે તો સ્વાભાવિકપણે ટુ વ્હીલરચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નાના-મોટા ખાડામાં ટુ વ્હીલરચાલક જાણે-અજાણે જો ખાડામાં પાણી ભરાયું હોય અને પટકાય તો ઈજાગ્રસ્ત પણ બને છે. દર ચોમાસામાં રોડ પરના ખાડા ટુ વ્હીલરચાલકોને તોબા પોકારતા આવ્યા છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં મેઘમહેર થવાથી અત્યાર સુધીમાં સાડા પંદર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદનું પ્રમાણ સારું એવું હોવાથી સ્વાભાવિકપણે ડામર અને પાણી વચ્ચેના વેરથી રોડ પર ખાડા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડા પૂરવા માટે પેચવર્કનાં કામો યુદ્ધસ્તરે હાથ ધરાઈ રહ્યાં છે.રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે, ગત તા. 27 જૂનથી તા. 6 જુલાઈ સુધીના 11 દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં 220થી વધુ રોડમાં પેચવર્કના કામ સફળતાપૂર્વક આટોપી લેવાયાં છે. અન્ય ઝોનમાં પણ જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં ત્યાં હોટમિક્સ, ઇન્ફ્રારેડ અને જેટપેચર્સ મશીનની મદદથી ખાડા પૂરીને જે તે રોડને મોટરેબલ બનાવવાની દિશામાં તંત્રને કડક તાકીદ કરાઈ છે. પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં જીએસઆરટીસી બસ સ્ટેન્ડ સામે, ઇન્કમટેક્સ બ્રિજનો એપ્રોચ, સુભાષ સર્કલ પાસે, કલેક્ટર ઓફિસ સામે, નાબાર્ડ બેન્ક પાસે, શાહ હોસ્પિટલ પાસે, ભીમજીપુરા જ્યોતિસંઘ પાસે, ભીમજીપુરા મોજણીભવન પાસે, વંદે માતરમ્ ગાર્ડન, ભાવસાર હોસ્ટેલ, રામપીર ટેકરા પાસે, એમપીની ચાલી, ગુરુ ભગવાનની ચાલી, કેશવનગર, રાઉન્ડ ટેબલ સ્કૂલ પાસે, પાર્થ એપાર્ટમેન્ટ - બિન્દુ પાર્ક, આરટીઓ સર્કલ, ચીમનભાઈ બ્રિજ પાસે, સૂર્યનારાયણ સોસાયટી, બેન્ક ઓફ ઇન્ડિયા પાસે, વાડજ ગામ, ચંદ્રભાગા હાઉસિંગ, કેશવનગર સોસાયટી, વાડજ સર્કલ, નીલ કોમ્પ્લેક્સ, પંચશીલ ટ્યૂબવેલ ખાતે પેચવર્કની કામગીરી કરાઈ છે. જ્યારે વાસણા વોર્ડમાં અંજલિ ચાર રસ્તાથી ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરનો મિક્સ ટ્રાફિક, શ્રેયસ બ્રિજ નીચે, ગુપ્તાનગર, ચામુંડાનગર, ખોડિયાર ચાલી, વાસણા ગામ બસસ્ટેન્ડ પાસે, પ્રજાપતિ ગાર્ડન પાસે, પી એન્ડ ટી કોલોની રોડ અને જીબી શાહ કોલેજ રોડ ખાતેના ખાડા પૂરી દેવાયા છે. પાલડી વોર્ડમાં કલ્યાણ જ્વેલર્સ પાસે, છડાવાડ પોલીસ ચોકીથી ભુદરપુરા રોડ, કોચરબ ગામ, પરિમલ અંડરપાસ, ઝૂડિયો શો રૂમ પાસે, વિશાલ ફ્લેટથી નિકેત ફ્લેટ સુધીનો રોડ, પાલડી ચાર રસ્તા ઉડિપી રેસ્ટોરાં પાસે, પાલડી ચાર રસ્તાથી એનઆઇડી જંક્શન સહિતનાં સ્થળોએ પડેલા ખાડામાં પેચવર્કનું કામ કરાયું છે.  નારણપુરામાં સુંદરનગર, વિજય કોલોની, અંકુર ચાર રસ્તા સહિતના 50થી વધુ સ્થળોએ, નવરંગપુરામાં મીઠાખળી ગામ, ગુલબાઈ ટેકરા, ઈશ્વરભુવન રોડ સહિતનાં 48થી વધુ સ્થળોએ, રાણીપમાં ગીતા મેડિકલ સ્ટોર, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી સહિતનાં 10 સ્થળોએ, સાબરમતીમાં પાવર હાઉસથી વિસત રોડ, નર્સરી રોડ સહિતનાં આઠ સ્થળો, ચાંદખેડામાં માનસરોવર રોડ, ન્યૂ સીજી રોડ સહિત આઠ સ્થળોએ, નવા વાડજમાં વાડજ ગામ, શાક માર્કેટ, ભીમજીપુરા સર્કલ સહિત 10 સ્થળોએ પેચવર્કનાં કામ કરાયાં હોવાનું રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે.ગત તા. 27 જૂનથી 6 જુલાઈ સુધીના 11 દિવસમાં મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના વિવિધ રોડ પર પડેલા ખાડાને પેચવર્કથી પૂરવાની કામગીરી હેઠળ આવા કુલ 535 સ્થળોએ પેચવર્કનું કામ પૂર્ણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. તંત્રના આ ધમધમાટથી સ્થાનિક રહેવાસીઓએ હરખની લાગણી વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News