અંતે, સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ, એકસાથે હજારો પશુઓ છોડી મુકાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-23 11:38:01
  • Views : 278
  • Modified Date : 2022-09-23 11:38:01

 

રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને છોડી મૂક્તા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સંચાલકોએ પશુઓ છોડી મૂકતા જ ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.


ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતા પાંજરાપોળ સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગણી કરતા સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રિઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા. છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટીમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા હવે આજે વહેલી સવારે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યા છે.


પાંજરાપોળમાંથી ઢોર છોડવાના હોવાની જાણ થતા પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરીકેટ ઉતારી દીધા હતા અને મોટો પોલીસ ફોર્સ ઉતારી દીધો હતો. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતા પોલીસે અનેક કોશિશો કરી હતી, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યા છે. તમામ ઢોરને ડીસા સહિતની સરકારી કચેરીઓમાં છોડતા ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.


આ તમામ પશુઓને સરકાર ભરોસે સરકારી કચેરીઓમાં છોડી દેવાની સંચાલકોએ તૈયારી કરી લીધી છે. જેને પગલે જિલ્લાની પોલીસ એલર્ટ બની ગઈ છે. સરકારે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ગૌશાળા અને પાંજરાપોળને એક પણ રૂપિયાની સહાય મળી નથી. જેના માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે સંચાલકોની વાત સાંભળી નથી. જેથી સરકાર સામે રોષે ભરાયેલા સંચાલકોએ આજે બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળાઓમાંથી પશુઓને સરકારી કચેરીઓમાં છોડી સરકાર ભરોસે મૂકી દેવાના છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે અને આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે પોલીસ એલર્ટમોડમાં આવી ગઈ છે. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે ડીસાની ગૌશાળા અને પાંજરાપોળ આગળ પણ બેરીકેટ ગોઠવી દેવાયા છે.

Download Our B K News Today App



Related News