ગુજરાત વિધાનસભા, ત્રણ મંત્રીઓની કચેરીમાં કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 12:58:05
  • Views : 234
  • Modified Date : 2021-03-22 12:58:05

    રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. દરરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભામાં પણ હવે કોરોનાની દહેશત ઉભી થઈ છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ચાલુ બજેટ સત્રમાં જ ત્રણ મંત્રીઓના કાર્યાલયમાં કર્મચારીઓનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુના સેક્રેટરી મહેશ લાડ તથા રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના પીએ ધર્મજીત યાજ્ઞિક અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારના કાર્યાલયમાં પણ ક્લાર્કને કોરોના થયો છે. આ ત્રણેય ઓફિસમા બીજી વખત કોરોનાના કેસ નોંધાયા છે.

    બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગઈકાલે 2.70 લાખ લોકોને રસી આપવામાં આવી છે. દરરોજ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગઈકાલે રવિવારે પહેલીવાર રસીકરણ યોજાયું હતું. સરકારે તમામ લોકોને ઝડપથી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં કેસ વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે. હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે.

    રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી. પત્રકારો પણ જોખમ વચ્ચે રહી રિપોર્ટિંગ કરે છે તેવા યુવા અને અન્ય પત્રકારોને પણ રસી આપવાની કેન્દ્ર સરકારને વાત કરી છે.ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું ગુજરાત સરકારના નિયમો અને નિર્ણયો વિધાનસભાને લાગુ નથી પડતા? કારણ કે સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જો માસ્ક ન પહેરે તો માત્ર રૂ.500નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. દંડનાં આ બેવડાં ધોરણો જોતાં વિધાનસભા ગુજરાત બહાર હોય તેમ લાગે છે.

Download Our B K News Today App



Related News