થરાદમાં ચાર દુકાનો,એક હોલ સીલ કરાયો, વેપારીઓએ બાંધકામ પરવાનગી રજુ નહી કરતાં પાલિકા દ્વારા કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 12:41:50
  • Views : 304
  • Modified Date : 2022-07-22 12:41:50

​​​​​​​


પાલિકાની પરવાનગી વગર ખોલાશે, કોઇને ભાડાપટ્ટે કે વેચાણ અપાશે તો પોલીસ કાર્યવાહી થશે


થરાદ પાલિકાના વિવિધ વિસ્તારોમાં કેટલાક દબાણકારોએ કોઇપણ જાતની મંજુરી વગર અને પાલિકાની જગ્યામાં દબાણો કર્યા હોવાની રજુઆત ઉઠવા પામી હતી. આ અંગે સફાળા જાગેલા તંત્ર દ્વારા માલિકોને નોટિસો આપીને પુરાવા મંગાવ્યા બાદ બુધવારે સાંજે ચાર દુકાનો અને એક હોલ સીલ કરી દેતાં નગરમાં અન્ય શખસોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. થરાદમાં નગરપાલિકાની જગ્યામાં દબાણ કરીને તેમજ હેતુફેર કર્યા વગર રહેણાંક વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું હોઇ તપાસ અને પગલાં ભરવાની રજુઆત નગરપાલિકામાં થવા પામી હતી.


આ અંગે થરાદ નગરપાલિકા દ્વારા આવા માલિકોને નોટિસ આપીને ખેતીવાડી ઓફીસની બાજુમાં તથા આશાપુરાવાસમાં આવેલ જગ્યામાં કરાયેલ ગેરકાયેદસર બાંધકામ સંદર્ભે પાલિકામાંથી પરવાનગી મેળવેલ હોય તો તેની સાથે મકાનનો મંજુર થયેલ નકશો તેમજ માલિકીના દસ્તાવેજ રજુ કરવા જણાવાયું હતું. જો કે તેમના દ્વારા બાંધકામ પરવાનગી રજુ નહી કરતાં બુધવારે સાંજે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કર્મચારીઓ અશ્વિનભાઇ ત્રિવેદી, ઉદેસિંહ વાઘેલા તથા‌ દિનેશભાઈ હડિયલ‌ (પટાવાળા) અને બે‌ કારકુન સાથે જઇને જુબેદાબેન રજબશા ફકીર (રહે.થરાદ) તથા સતારભાઇ હસનભાઇ ઘાંચી (રહે.આશાપુરાવાસ) ની કુલ‌ 4 દુકાન અને‌ 1 હોલ‌ સીલ કરી દિધો હતો. તેમજ નોટિસ ચિપકાવીને જો પાલિકાની પરવાનગી વગર ખોલશો કે કોઇને ભાડાપટ્ટે કે વેચાણ આપશો તો પોલીસ કાર્યવાહી કરવાની ચિમકી આપવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે ‘નગરપાલિકા દ્વારા બિનપરવાનગી બાંધકામ તેમના ખર્ચે અને જોખમે દુર કરવામાં આવશે અને નોટિસનો ભંગ થયેથી તેમના વિરૂધ્ધ CGDCR અંતર્ગત કાયદેસરના પગલાં લેવામાં આવશે.’

 

Download Our B K News Today App



Related News