ચાંદીમાં રૂ. ૧૭૭૯ની તેજી સાથે રૂ. એક લાખ તરફ આગેકૂચ, સોનું રૂ. ૪૫૨ ઝળક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-23 18:25:52
  • Views : 226
  • Modified Date : 2024-10-23 18:25:52

આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ રહેતાં ભાવ નવી વિક્રમ સપાટી સર કરી રહ્યા છે. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં આગેકૂચ જળવાઈ રહેતા આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૭૯ની તેજી આગળ ધપતા ભાવ રૂ. ૯૯,૦૦૦ની સપાટી વટાવીને રૂ. એક લાખ તરફ આગેકૂચ કરી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૦થી ૪૫૨ વધી આવ્યા હતા.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. ૧૭૭૯ની આક્રમક તેજી સાથે રૂ. ૯૯,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૯૯,૧૫૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ વેરા રહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૦ વધીને રૂ. ૭૮,૩૮૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૫૨ વધીને રૂ.૭૮,૭૦૩ના મથાળે રહ્યા હતા. તેજીના આ માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. જોકે, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂર્વે તાજેતરમાં સોનામાં તેજીના ફૂંકાયેલા પવનને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોમાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વનાં દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા એક તરફ સોના-ચાંદીને સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાનો ટેકો મળતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૭૫૫.૩૦ ડૉલરની નવી વિક્રમ સપાટીએ રહ્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ઘટાડા સાથે ઔંસદીઠ ૨૭૫૪.૨૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૭૬૮.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ જે ગઈકાલે વધીને વર્ષ ૨૦૧૨ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૩૪.૮૭ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા તે સાધારણ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૩૪.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.હાલ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બન્ને ઉમેદવારો ફુગાવાલક્ષી નીતિની તરફેણ કરી રહ્યા હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીને હાજર માલની ખેંચનો મજબૂત ટેકો મળી રહ્યો હોવાનું સ્કોર્પિયન મિનરલ્સનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર મિશલ લૅન્ગફોર્ડે જણાવતા ઉમેર્યું હતું કે સામાન્યપણે સોના-ચાંદીને આર્થિક અને ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓમાં સલામતી માટેની માગનો વ્યાપક ટેકો મળતો હોય છે.વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૯ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News