પાંથાવાડામાં ખેડૂતને ખેતરમાં મોબાઇલ ટાવર ઉભુ કરવાના બહાને 11.50 લાખની છેતરપિંડી કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 11:42:22
  • Views : 285
  • Modified Date : 2021-06-10 11:42:22

     બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો માનવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાત દિવસ મહેનત કરી પોતાના ખેતરમાંથી ઉપજતા અનાજથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા અનેક તાલુકાઓમાં પાણીની અછત હોવાથી ખેડૂતો માંડ માંડ પોતાના ખેતરોમાં ખેતી કરતા હોય છે ત્યારે કેટલીકવાર ખેડૂતો સાથે બનતી છેતરપિંડીની ઘટનાને લઇ ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે ક્યાંક ના જેવા પૈસા કમાવાની લ્હાયમાં મોટાભાગના વેપારીઓ કેટલીકવાર ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ આપી છેતરપિંડી આચરતા હોય છે તો ક્યારેક લોકો ખેડૂતોને લોભ લાલચ આપી છેતરપિંડી કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ અને ખેડૂતો અત્યાર સુધી પાયમાલ બન્યા છે.

     દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે રહેતા વિહાભાઈ જેઠાભાઈ ગુડોલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ રાજસ્થાન ના સમદડી તાલુકાના કામોડાવાડા ખાતે રહેતા બાબુભાઈ છોગારામ ચૌધરી ના સંપર્કમાં આવ્યા હતા જેમણે વિહાભાઈ ને તેમના ખેતરમાં મોબાઈલ ટાવર ઊભો કરી દર મહિને એક લાખ રૂપિયા ભાડું આપવાની લાલચ આપી હતી, જે બાદ બાબુભાઇ અને તેમના બે મિત્ર જયેશ બાબજી અને ભાવેશ કણબી અવારનવાર વિહાભાઇ ને મળી બરાબર વિશ્વાસ માં લઇ તેમની પાસેથી કોરા કાગળ અને બેંકના ચેક પર સહી લઈ લીધા હતા બાદમાં તેમના  સહી કરેલા અલગ-અલગ ચેક બેંકમાં નાખી 11.50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા, તેમજ કોરા કાગળ પર સહી કરાવી વિહાભાઇ ની જમીન પચાવી પાડવાની કોશિશ કરતા વિહાભાઈ ને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું અને  પૈસા તેમજ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હોવાનું માલુમ પડ્યું હતું.

     જે બાદ ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થતી હોવાની જાણ થતાની સાથે જ તેઓએ ત્રણેય શખ્સો સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાંથાવાડા પોલીસે વિહાભાઇ સાથે છેતરપિંડી આચરનારા ત્રણેય શખ્સો સામે ગુનો નથી તેમની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ખેડૂતો સાથે છેતરપિંડી ની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે અત્યાર સુધી અનેક ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા વારંવાર ખેડૂતો સાથે કરતા છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતો સાથે બનતી છેતરપિંડીની ઘટના અટકી શકે તેમ છે.

 

 

Download Our B K News Today App



Related News