ખેડા જિલ્લામાં 22 લાખની વસ્તી સામે માત્ર 76 હજાર એન્ટીજન્સી કીટની ફાળવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:49:27
  • Views : 289
  • Modified Date : 2020-09-29 11:49:27

    રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા મહત્તમ લોકો કોરોના ટેસ્ટ કરાવે તે માટે અપીલ કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને ગણતરીની જ એન્ટીજન્સ કોવિડ-19 કિટ ફાળવવામાં આવે છે.ખેડા જિલ્લાની 22 લાખથી વધુ વસ્તી છે.જેમાં શહેરી વિસ્તારમાં 7લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 લાખની વસ્તી ધરાવે છે.તેની સામે માત્ર 76 હજાર કિટ ફાળવવામાં આવી છે. આમ ખેડા જિલ્લામાં એક લાખની વસ્તી સામે માત્ર 3800 કિટ ફાળવવામાં આવી છે.આમ માત્ર 4 ટકા કિટ ફાળવવામાં આવી છે.કિટ ઓછી હોવાથી જિલ્લાના પીએચસી, સીએચસી, હોસ્પિટલમાં વહેંચવામાં આવે છે. સરવાળે બપોર થતાં જ સરકારી હોસ્પિટલમાં કિટ ખતમ થઇ જાય છે અને દર્દીઓને અહીં તહીં ભટકવું પડે છે.

ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના ટેસ્ટીંગ કિટને લઇ બુમો ઉઠી રહી છે. નડિયાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર ગણતરીની 25 જ કિટ આપવામાં આવી રહી હોવાના ઘટસ્ફોટ બાદ કપડવંજમાં પણ ઘટ પડી રહી છે. આ સ્થિતિમાં ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ માટે એક સાથે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાઇ છે. ઉચ્ચ કક્ષાએથી એકાંતરે ત્રણ હજારથી લઇ પાંચ હજાર કિટ ફાળવવામાં આવે છે અને કિટો સમગ્ર જિલ્લામાં ટાર્ગેટ પ્રમાણે વહેંચવામાં આવે છે. આ વહેંચણી દરમિયાન હોસ્પિટલમાં વધુ કિટ ફાળવણી થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના પીએચસી, સીએચસીમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ કિટ આવે છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 76,250 કુલ કિટ ફાળવવામાં આવી છે. તેમાં સૌથી વધુ નડિયાદમાં 14 હજાર કિટ વહેંચવામાં આવી છે.

ખેડા જિલ્લાના પીએચસી કેન્દ્રમાં એન્ટીજન ટેસ્ટની કામગીરી પૂરજોશમાં
ખેડા જિલ્લાના કપજવંજ,કઠલાલ,ઠાસરા સહિતના પીએચસી કેન્દ્ર અને સીએચસી કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં 50 હજારથી વધુ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.જાહેર સ્થળો સહિત સરકારી કચેરી અને કોરોના સંક્રમણ ધરાવતા ગામોમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.હાલમાં એન્ટીજન ટેસ્ટ માટે કિટ પુરતા પ્રમાણમાં આવતી ન હોવાથી રેપીડ ટેસ્ટની કામગીરીમાં બ્રેક વાગી ગયો છે.જયારે ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધી 4.80 લાખ લોકોને તપાસ આવ્યા છે.જેમાંથી 3742 લોકોને તાવની અસર જણાઇ હતી તેઓને સ્થળ પર સારવાર આપવામાં આવી છે.

એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ દર્દીઓને હોમ કોરન્ટાઇન કરાયા
જિલ્લામાં આવેલ તમામ તાલુકા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, શાક માર્કેટ, ગંજ બજાર, તમામ સરકારી કચેરીઓ, શોપીંગ મોલ જેવા કે બીગ બજાર, રીલાયન્સ, ડી-માર્ટ, જી.આઈ.ડી.સી, રાષ્ટ્રીય અને ખાનગી બેંકોની શાખાઓ, પ્રાઈવેટ હોસ્પિટલના કર્મચારીઓ, પોલીસ સ્ટાર્ફ, એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ, વાહનોના શોરૂમ, પેટ્રોલ પંપ, જેવી તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ઘના ધોરણે રેપીડ કીટ દ્વારા એન્ટીજન ટેસ્ટ કરી વધુમાં વધુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓને શોધીને હોમ કોરન્ટાઈન અથવા ફેસીલીટી કોરન્ટાઈન કરી સારવાર આપાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૦૭૭ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવેલી છે. જેના ઉપર જિલ્લાના કોઈપણ નાગરીક પોતાને કોરોનાના લક્ષણો છે તેવું જણાય તો તાત્કાલિક આ નંબરનો સંપર્ક કરી વિના મૂલ્યે એન્ટીજન ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ક્યા કેટલી કિટ વિતરણ કરાઇ ?

બ્લોકકિટ ફાળવી
કપડવંજ9,050
ખેડા5,800
માતર5,750
વસો5,450
કઠલાલ6,100
મહુધા5,900
મહેમદાવાદ9,050
નડિયાદ14,775
ગળતેશ્વર4,125
ઠાસરા10,250
કુલ76,250

Download Our B K News Today App



Related News