ગુજરાતમાં 20માંથી 18 મોટા ગરબા આયોજકોએ કહ્યું- આ વર્ષે ગરબા નહીં રમાડીએ, કોરોનામાં ગરબા સ્યૂસાઈડ બોમ્બ જેવા...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:56:00
  • Views : 386
  • Modified Date : 2020-09-12 12:56:00

      વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતના ગરબાના મોટા આયોજનો આ વર્ષે જોવા નહીં મળે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોના મોટા ગરબા આયોજકોએ સ્પષ્ટ કરી દીધું કે કોરોનાના કારણે તેઓ કોઇ પણ પ્રકારનું રિસ્ક લઇ શકે તેમ નથી. તેમના માટે લોકોની સુરક્ષા જ સૌથી પહેલી પ્રાથમિકતા છે.દિવ્ય ભાસ્કરે ગુજરાતના ટોપ 20 ગરબા સંચાલકોને પૂછ્યું હતું કે તેઓ આ વર્ષે ગરબાનું આયોજન કરશે કે નહીં? તેમાંથી 18 સંચાલકોએ ચોખ્ખી ના પાડી જ્યારે 2 સંચાલકોએ કહ્યું કે જોઇશું, માર્ગદર્શિકાઓમાં થોડી રાહત જણાશે તો વિચારીશું, નહીતર આયોજન નહીં કરીએ.વડોદરાના યુનાઇટેડ વેના હેમંત શાહનું કહેવું છે કે આટલી ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કોઇ પણ સ્થિતિમાં ન કરાવી શકાય. અમદાવાદના રાજપથ ક્લબના ગરબાના ચેરમેન મનીષ શાહે કહ્યું કે માર્ગદર્શિકા પ્રમાણે 100થી 300 લોકોનું ગેધરિંગ થઇ શકે છે. તેમ છતાં સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે ગરબા ન યોજવાનું નક્કી કર્યું છે.નવરાત્રિ ફેસ્ટિવલના મયંક પટેલે કહ્યું કે રોજના 120 કેસ આવી રહ્યા છે. ગરબાના આયોજન સ્યૂસાઇડ સમાન હશે. રાજકોટની નીલ સિટી ક્લબના ઇન્દ્રનીલે કહ્યું કે સરકાર મંજૂરી આપે તો પણ અમે ગરબાનું આયોજન નહીં કરીએ.કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી. મોટા આયોજનો કે જેમાં 5થી 25 હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ અનુરૂપ નથી.મોટા આયોજનો ભલે ન થાય અથવા થાય તો તેમાં રિસ્ક ન લઇએ ત્યારે ગુજરાતની પરંપરા પ્રમાણે શેરી-સોસાયટીના ગરબા આ વર્ષે થશે. જેમાં નિયમોનું પાલન અને ડિસ્ટન્સીંગ પણ શક્ય છે. ત્યારે સેફ્ટિ સાથે આ ગરબાનો ભાગ બની પરંપરાગત ગરબાની મઝા લઇ શકીશું અને પરંપરાને પણ ફરી ઉજાગર કરી શકીશું.અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ)એ રાજ્ય સરકાર સમક્ષ અગાઉના રથયાત્રા, ઈદ, ગણેશોત્સવ, જન્માષ્ટમી સહિત અન્ય તહેવારો વખતે ઉત્સવ પર મૂકવામાં આવેલા પ્રતિબંધની જેમ નવરાત્રિ ઉત્સવ પર પણ પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. એએમએના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, સરકારની પોલિસી અને વધુને વધુ ટેસ્ટ કરવાની પ્રતિબદ્ધતાને પગલે હાલની સ્થિતિમાં કોરોનાનો ઇન્ફેક્શન દર વધી રહ્યો છે જો કે મૃત્યુદરમાં ઘટાડો થયો છે તે સારી બાબત છે. ઉત્સવ પર પ્રતિબંધ મૂકવાથી લોકો ભેગા ન થતા ઈન્ફેક્શન ફેલાતો અટકે છે. તેથી સરકાર અમદાવાદ મેડિકકલ એસોસિએશનની વિનંતીને ધ્યાને રાખી નવરાત્રિ ઉત્સવ પર પ્રતિબંધ મૂકે તેવી અમારી લાગણી છે.અમદાવાદના રાજપથ, કર્ણાવતી, ફ્રેન્ડ્સ, શંકુ, વડોદરાના યુનાઈટેડ વે, મા શક્તિ, વડોદરા નવરાત્રિ ફેસ્ટ, સુરતના ઇન્ડોરસ્ટેડિયમ, સરસાણા કન્વિનીયન્સ, રાજકોટના સહિયર-સુરભી જેવા ગરબા આયોજકોએ ગરબા રમાડવાની ના પાડી.વડોદરા યુનાઈટેડ વેના હેમંત શાહે જણાવ્યું કે, અમારા માટે સૌપ્રથમ પબ્લિક સેફ્ટી છે. ગ્રાઉન્ડમાં 50 હજાર લોકો હોય છે, આટલી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થઈ શકે નહીં.વીએનએફના મયંક પટેલે કહ્યુ- માતાની ઉપાસના તો શેરી ગરબા દ્વારા થઈ શકે છે, સરકાર જબરદસ્તીથી ગરબા કરાવશે તો તેણે હજારો બેડની વ્યવસ્થા કરવી પડશે.

Download Our B K News Today App



Related News