આસામમાં હિમંત બિસ્વાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું; પશ્ચિમ બંગાળમાં મમતાના 43 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 12:46:45
  • Views : 272
  • Modified Date : 2021-05-10 12:46:45

    આસામમાં હિમંત બિસ્વા સરમાએ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે નવા મંત્રીમંડળે પણ શ્રીમંત સંકરદેવ કલાક્ષેત્ર ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા રવિવારે સર્વસંમતિથી ભાજપ અને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ (NEDA)ના સંયોજક હિમંત આસામના 15માં મુખ્યમંત્રી બનવાનો માર્ગ રસ્તો સાફ થઈ ગયો હતો. સરમાએ રવિવારે રાજભવનમાં રાજ્યપાલ જગદીશ મુખી સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે દાવો સ્વીકાર્યો અને સરમાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતુ.

    બીજી તરફ, પશ્ચિમ બંગાળના બંગાળ સરકારના મંત્રીમંડળે શપથ લીધા હતા. જેમાં કુલ 43 મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજભવન ખાતે કોવિડ ગાઈડલાઇનની પાલન કરતાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલો, રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા. ડો.અમીત મિત્રા અને બ્રાત્ય બસુ સહિત ત્રણ પ્રધાનોએ વર્ચ્યુલી શપથ લીધા હતા. જો કે, ખાતા ફાળવણી અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં TMCએ 213 બેઠકો પર ભારે જીતી મેળવી છે. જ્યારે, ભાજપે 77 બેઠકો જીતી હતી. તૃણમૂલના ચીફ મમતા બેનર્જીએ 5 મેના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

    આ પહેલા ભાજપ અને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા સરમાએ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને તેમને મહાગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી સોંપી હતી. રાજભવન ખાતે સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, આસામ ગણ પરિષદના નેતા અતુલ બોરા અને કેશવ મહંત અને યુપીપીએલના નેતા પ્રમોદ બોરો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ સાથે જ મુખ્યમંત્રી પદ અંગેની અટકળોનો પણ અંત આવ્યો હતો, કારણ કે સોનોવાલ અને સરમા બંનેને દાવેદાર માનવામાં આવતા હતા. ભાજપના નેતૃત્વ દ્વારા બંને નેતાઓને આ મુદ્દે શનિવારે દિલ્હી ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને સોનોવાલને કેન્દ્ર સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના છે.

    સરમાએ સર્વસંમતિથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તેમના સંબોધનમાં સરમાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સોનોવાલ અને પાર્ટીના અન્ય નેતાઓના આભારી છે જેમણે તેમને રાજ્યની જનતાની સેવા કરવાની તક આપી. સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.આસામની 126 સભ્યોવાળી વિધાનસભામાં શાસક ગઠબંધનને 75 બેઠકો મળી છે. ભાજપને 60 બેઠકો મળી છે જ્યારે તેના ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીપીએલ) ને અનુક્રમે નવ અને છ બેઠકો મળી છે.


Download Our B K News Today App



Related News