આફત : ​​​​​​​પહેલા કોરોના પછી મ્યુકોરમાઈકોસિસ અને હવે ગેંગરીનના કેસ વધ્યાં, આ બીમારીમાં દર્દી પોતાના શરીરના અંગ પણ ગુમાવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 13:10:25
  • Views : 206
  • Modified Date : 2021-05-24 13:10:25

    અમદાવાદમાં એક બીમારીથી રાહત મળે તો બીજી બીમારી તૈયાર થઈ જાય છે. પહેલા કોરોના પછી મ્યુકોરમાઈકોસિસ અને હવે ગેંગરીનના પણ કેસમાં વધારો થયો છે. કોરોના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધતા અને લોહીનું નસોમાં પરિભ્રમણ બંધ થતાં ગેંગરીનના કેસો વધી રહ્યા છે. સાથે જ જો સમયસર ગેંગરીનનો ઈલાજ ના થાય તો દર્દીના શરીરના અંગ કાપવાની ફરજ પડે તેવા પ્રકારની ઉપાધિ સર્જાઈ છે.

    કોરોનાથી સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસ બાદ હવે ગેંગરીનના પણ કેસો વધ્યા છે. લાંબા સમય સુધી જો દર્દીમાં લોહી ગંઠાવાની સમસ્યા રહે તો ગેંગરીન થવાની શક્યતા વધી જાય છે. સાથે જ ગેંગરીનની અસર શરીરના જે અંગ પર થાય તેના રંગમાં બદલાવ આવવા લાગે છે. ગેંગરીનના દર્દીઓ વધતા હવે લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. હજુ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની વ્યવસ્થા થતી નથી અને હવે આ નવી સમસ્યા ઉભી થઈ છે.

    કોરોના મહામારી હજુ સમાપ્ત નથી થઈ, ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધું છે કે દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેન્દ્રના મતે, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે, જોકે હકીકતમાં આ આંકડો આશરે પાંચ હજારથી પણ વધુ છે. આમાંથી 50%થી વધુ લોકો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓને Amphotericin B ઈન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ રાજ્યમાં દર્દીઓનાં સગાં ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યાં છે.

     ઈન્જેક્શન માટે તડપતા આ દર્દીઓને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રોગની સારવાર માટે જરૂરી એવાં ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યારસુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાંને 20,700થી વધુ Amphotericin B ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી આપ્યા છે. આ ઇન્જેક્શન Amphotericin Bનો વધુ જથ્થો રવિવારે મોડી સાંજે મળી ગયો છે. આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાંને ફાળવી દેવામાં આવશે.


Download Our B K News Today App



Related News