આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળશો તો નવું વર્ષ લોકઅપમાં જ ઉજવવું પડશે, શહેરના 300 પોઈન્ટ પર પોલીસની નાકાબંધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 13:12:13
  • Views : 343
  • Modified Date : 2020-12-31 13:12:13

    આજે રાતે અમદાવાદીઓ 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકે. જો કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર ફરતો ઝડપાશે તો પોલીસ દ્વારા કડડ કાર્યવાહી કરવામાં આવશે. આજે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારાયો છે. રાત્રિ સમયે શહેરમાં 100 પીઆઈ 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહાર ગામ ગયું હશે તો તેઓએ 9 વાગ્યા પહેલા આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વ્યક્તિને આખી રાત લોકઅપમાં પુરવામાં આવશે.

    પોલીસ કંટ્રોલરૂમના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, ઈમરજન્સી વિના બહાર નીકળનારને જેલમાં ધકેલી દેવાશે. શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે. જ્યારે શહેરની અંદરના 250થી 300 નાકાબંધી પોઈન્ટ પર પણ પોલીસ 9 વાગ્યાથી જ તહેનાત થઇ કર્ફ્યૂનો કડક અમલ કરાવશે. સાથે જ પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદ પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈ લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે. તેમજ ઝડપાયેલા તમામનું મેડીકલ પરિક્ષણ કરવામાં આવશે.

    31મીએ રાતે સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતના સ્થળે લોકો ભેગાં ન થાય તે માટે સાંજે 7 વાગ્યાથી આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ તહેનાત રહેશે.પોલીસે 30મીએ સાંજે જ તમામ ફાર્મ હાઉસને કોઈ પણ પ્રકારની પાર્ટી નહીં કરવા સૂચના આપી હતી. ત્યારબાદ રાત્રે પોલીસે ફાર્મ હાઉસ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાંથી ઓગણજના એક ફાર્મમાંથી 7 બીયરના ટિન સાથે બે પકડાયા હતા.અમદાવાદ શહેરની આસપાસ આવેલા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ નથી. આથી લોકો ત્યાં એકઠા પાર્ટી કરવા ભેગા થશે. આમ ફાર્મ હાઉસો અને વીક એન્ડ હોમ્સ પર સવારથી જ સ્થાનિક પોલીસની બાજ નજર રહેશે. તેમજ સતત પેટ્રોલિંગ પણ કરશે.


Download Our B K News Today App



Related News