'છૂટાછેડા નહીં આપે તો તારું મર્ડર...', પતિના ત્રાસથી કંટાળી બીજી પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 16:43:57
  • Views : 99
  • Modified Date : 2023-06-24 16:43:57

 ‘મેં ત્રણ મર્ડર કર્યાં છે, તું છૂટાછેડા નહીં આપે તો હું તારું પણ મર્ડર કરી નાખીશ!’ તેમ કહીને યુવતી પર તેના પતિ અને પરિવાર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકનાં અગાઉ લગ્ન થઇ ગયાં હોવા છતાંય તેણે પીડિત યુવતી સાથે બીજાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન જીવન દરમિયાન પતિ તેને કેબલથી મારતો હતો અને જ્યારે તેની પહેલી પત્ની પણ યુવતીને માર મારીને ધમકી આપતી હતી. સતત મળતી ધમકી અને ત્રાસથી કંટાળીને આખરે આ યુવતીએ ઉંદર મારવાની દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળે છે.ખોખરા વિસ્તારમાં રહેતી જયા (નામ બદલ્યું છે)એ ખોખરા પોલીસ સ્ટેશનમાં પતિ રાજન ઉર્ફે રાજા વેગડા, અક્ષય વેગડા, રમેશ વેગડા અને તૃષાબહેન વેગડા વિરુદ્ધ મારામારી તેમજ ધમકીની ફરિયાદ કરી છે. જયા છેલ્લા ત્રણ મહિનાથી પોતાનાં માતા પિતા સાથે રહે છે અને તેને ખેંચની બીમારી હોવાથી તેણે વિરમગામ ખાતેની નોકરી છોડી દીધી હતી. સાતેક વર્ષ પહેલાં જયાની હાટકેશ્વર ખાતે રહેતા રાજન વેગડા સાથે મુલાકાત થઇ હતી. જયા અને રાજન એકબીજા સાથે ફોન પર વાતચીત કરવા લાગ્યાં હતાં. રાજન અને જયા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારે રાજનને જયાની સોસાયટીમાં રહેતી તૃષા પરમાર નામની યુવતી સાથે પણ મિત્રતા બંધાઇ હતી. રાજન અને તૃષાની મિત્રતાની જાણ જયાને થતાં તેણે તૃષા જોડે સંબંધ રાખવાનીના પાડી દીધી હતી. જયાના કહેવાથી રાજને તૃષા સાથે સંબંધ તોડી નાખ્યો હતો ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ વધુ મજબૂત થઇ ગયો હતો. રાજને જયા સાથે 29 નવેમ્બર 2021માં મીરજાપુર કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. જયાએ કોર્ટ મેરેજ કરી લીધાં હોવાની જાણ તેણે પરિવારને ન કરી અને તે પિયરમાં જ રહેવા લાગી હતી. લગ્નના બે મહિના બાદ જયાને જાણવા મળ્યું કે રાજને તૃષા સાથે પણ લગ્ન કર્યાં છે. આ બાબતે જયાએ રાજન સાથે વાતચીત કરતાં તેણે તૃષા સાથે લગ્ન કર્યાં હોવાની વાત સ્વીકારી હતી પરંતુ તેણે તૃષાને છૂટાછેડા આપી દઇશ તેવી બાંયધરી પણ આપી હતી. જયા જ્યારે નોકરી પરથી આવતી હતી ત્યારે તે રાજનને મળતી હતી. જયાએ પાંચ મહિના પહેલાં પુત્રને જન્મ આપ્યો છે. જે હાલ રાજન પાસે છે. રાજને તૃષાને છૂટાછેડા આપ્યા ન હોવાની જાણ થતાં જયાએ તેની સાથે બબાલ કરી હતી. રાજનને ગુસ્સો આવતાં તે કેબલથી જયાને મારતો હતો જ્યારે તેનો ભાઇ રમેશ પણ તેનું ઉપરાણું લઇને ધમકી આપતો હતો કે હું ભાજપનો પ્રમુખ છું તું મારું કાંઇ નહીં કરી શકે. જ્યારે સાસુ સસરા પણ રાજનનું ઉપરાણું લઇને જયાને ટોર્ચર કરતાં હતાં અને છોકરો રાજનનો નથી તેમ કહીને ત્રાસ આપતાં હતાં. આ સિવાય રાજનની પત્ની તૃષા પણ જયાને છૂટાછેડા આપી દે તેમ કહીને માર મારતી હતી. તે તેનાં માતા પિતા અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આ ઉપરાંત રાજન પણ તૃષાનું ઉપરાણું લઇને ધમકી આપતો હતો કે ‘મેં બે ત્રણ મર્ડર કર્યાં છે. જો તું છૂટાછેડા નહીં આપે તો તારું પણ મર્ડર કરી નાખીશ.’ સાસરિયાંના ત્રાસથી જયા કંટાળી ગઇ હતી જ્યારે રાજને બે મહિના પહેલાં નોટરી દ્વારા છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ જયા પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી જ્યાં રાજને ફરીથી તેને ઘરે આવી જવાનું કહ્યું હતું. રાજનનો ત્રાસ ચાલુ રહેતાં અંતે જયાએ ઉંદર મારવાની દવા પીધી હતી. જોકે તેનાથી તેનું મોત નહીં આવે તેવું વિચારીને ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. જયા ગળે ફાંસો ખાય તે પહેલાં તેની માતા આવી ગઇ હતી. જ્યાં તેણે બચાવી લીધી હતી. જયા હાલ આઇસીયુમાં છે જ્યારે ખોખરા પોલીસે સાસરિયાં વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Download Our B K News Today App



Related News