પિતા-પુત્રે નારોલમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 25 મિનિટ પછી ઈસનપુરમાં કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:41:11
  • Views : 369
  • Modified Date : 2020-10-04 11:41:11

    કોરોના વાઈરસના સંક્રમિતોને શોધી કાઢવા કોર્પોરેશનના હેલ્થ વિભાગે મોટાપાયે રેપિડ ટેસ્ટનો વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ આ ટેસ્ટની વિશ્વસનીયતા સામે અનેક વખત સવાલ ઊભા થયા છે. નારોલમાં રહેતા એક પિતા-પુત્રએ શનિવારે નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મ્યુનિ.એ બનાવેલા ડોમમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. 10 મિનિટમાં પિતા-પુત્રને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

જો કે, પિતા-પુત્રે 10-15 મિનિટ પછી ઈસનપુર ખાતે મ્યુનિ.એ બનાવેલા ડોમમાં ફરી ટેસ્ટ કરાવ્યો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે આ ટેસ્ટમાં બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

નારોલના ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ ખાતે રહેતા તપન પૌલના પત્ની સુચિત્રા પૌલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના એક સભ્યને કોરોના થતાં અન્ય સભ્યો પણ હોમ આઈસોલેશનમાં ગયા હતા. એ પછી તેમના પુત્ર કૌશિક પૌલે ઓફિસ જઈ શકાય તે માટે કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું અને તેમના પિતા પણ સાથે ગયા હતા. શનિવારે સવારે 11.06 કલાકે તેમનું સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને 11.15એ તેમનો રિપોર્ટ પોઝિટિવ આપવામાં આવ્યો હતો.

પિતા-પુત્રને આ રિપોર્ટ પર શંકા જતાં તે દૂર કરવા નજીકમાં ઈસનપુરમાં આવેલા એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અહીં તેમણે 11.25એ સેમ્પલ આપ્યું હતું અને 11.40એ તેમને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં બંને કોરોના નેગેટિવ હોવાનો ઉલ્લેખ હતો. આમ રેપિડ ટેસ્ટના પરિણામની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઊભા થાય છે.

માંડ 25 મિનિટમાં રેપિડ ટેસ્ટના બે જુદા જુદા પરિણામ આવતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, આ બાબત અત્યંત ગંભીર છે. કોરોના જેવી ગંભીર બીમારીના ટેસ્ટમાં આવા છબરડાં ચાલે નહીં. સરકારે આ બાબતે યોગ્ય પગલાં લઈ લોકોને ટેસ્ટનું સાચું પરિણામ મળી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આવા છબરડાંથી ટેસ્ટની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે.

Download Our B K News Today App



Related News