કોરોનાના દર્દીઓની સેવા કરવા નર્સ પતિની યાતનાઓ સહન કરતી, સંક્રમણ થતા પિયર મોકલી દીધી, હવે ઘરમાં ઘુસવા 10 લાખ માંગ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 12:52:22
  • Views : 267
  • Modified Date : 2021-03-22 12:52:22

    કોરોનાની મહામારી સામે ભારતની લડાઈને 1 વર્ષનો સમયગાળો થઈ ગયો. આજના દિવસે 2020માં દેશમાં જનતાકર્યૂ જાહેર કરાયું હતું. મહામારીના આ સમય દરમિયાન ઘણા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સે પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સેવા કરી. આ દરમિયાન તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થઈ ગયા. આ વચ્ચે શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કોરોના સંક્રમિત થયા બાદ પતિએ તેને પોતાની સાથે રાખવાથી ઈનકાર કરી દીધો અને ઘરમાં પાછા આવવા માટે 10 લાખ રૂપિયાની માગણી કરી. 27 વર્ષની આ નર્સે હવે શનિવારે પોતાના પતિ તથા સાસરીયાં વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    શહેરના મણીનગરમાં આવેલી એલ.જી હોસ્પિટલમાં કામ કરતી નર્સના ફેબ્રુઆરી 2020માં ખોખરાના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ જ પતિ અને સાસરીયાં મહિલાને દહેજ બાબતે મહેણાં મારવાનું શરૂ કરી દીધું અને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં સાસરીયાંને વહુથી ઘરમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તેવા ડરથી વહુ નર્સની નોકરી કરે તેમ નહોતા ઈચ્છતા. જોકે પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા માટે મહિલા નર્સ તમામ યાતનાઓ સહન કરતી રહી.

    પોતાની ફરિયાદમાં નર્સ કહે છે, તેના લગ્નના થોડા દિવસો બાદથી જ કોરોનાનું સંક્રમણ ફેલાવાનું શરૂ થઈ ગયું. એવામાં તેણે હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવી પડી અને આ દરમિયાન એપ્રિલ 2020માં તેને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગી ગયું. જેથી તેના માતા-પિતા દીકરીને પોતાના ઘરે લઈ ગયા. અહીંથી સ્વસ્થ થયા બાદ પણ પતિએ નર્સ સાથે ઝઘડો કર્યો અને ગાળા-ગાળી કરી. બાદમાં પતિએ તેને પોતાની સાથે રાખવા માટે 10 લાખ રૂપિયાના દહેજની માગણી કરી. જ્યારે નણંદે પણ ઘરમાં પાછા આવવા માટે નવો કોરોના નેગેટિવ રિપોર્ટ માગ્યો.

    જ્યારે નર્સે નવો કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી તો પતિ તથા સાસરીયાંઓએ તેને ડિવોર્સ લઈ લેવા માટે કહી દીધું. મહિલા છ મહિનાથી પોતાના પિયરમાં હોવા છતાં પતિ તેને લેવા માટે આવતો નહોતો. એવામાં આખરે મહિલા નર્સે પોતાના પતિ, સાસુ તથા બે નણંદ વિરુદ્ધ દહેજની માગણી અને પજવણીની ફરિયાદ નોંધાવી હતી.


Download Our B K News Today App



Related News