ક્રાઈમ સિરિયલ જોઇ પતિ સાથે મળી પ્રેમિકાએ ઘડ્યો હતો પ્રેમીની હત્યાનો પ્લાન, ફિંગરપ્રિન્ટ ન આવે એટલે હાથમાં સેલોટેપ લગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 12:10:16
  • Views : 395
  • Modified Date : 2020-09-15 12:10:16

    ચીખલી તાલુકાના બામણવાડા ગામના પૂર્વ ઉપસરપંચની હત્યાનો 6 મહિના બાદ ભેદ ઉકેલાયો છે. 3 માર્ચના રોજ ખેતરમાંથી મળી આવેલી લાશ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પૂર્વ ઉપસરપંચની હત્યા તેની જ પ્રેમિકાએ પતિ સાથે મળી કરી હોવાનો ખુલાસો થયો છે. પ્રેમિકા અને તેના પતિએ ક્રાઈમ સિરિયલ જોઇ સાથે બે સાગરીતોને જોડી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ પ્લાન પ્રમાણે પ્રેમિકાએ પૂર્વ ઉપસરપંચને સીસીટીવી ન હોય તેવા રસ્તે બોલાવ્યો હતો અને ફિંગરપ્રિન્ટ ન આવે એટલે હાથમાં સેલોટેપ લગાવી કરપીણ હત્યા કરી નાખી હતી.નવસારીનાં ચીખલીમાં બામણવાડાનાં નિલેશ પટેલની હત્યા બાબતે એલસીબીના પીઆઈ વી.એસ.પલાસના માર્ગદર્શ ન હેઠળ પીએસઆઈ કે.એચ પુવાર, હેકો જયેશ ગોવિંદભાઈ અને પોકો કિરણ ભગુભાઈએ સતત એક માસ વોચ રાખ્યા બાદ અને માહિતી મેળવી હતી. આ હત્યાનો ભેદ છ માસ બાદ ખુલ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ નિલેશ પટેલ (રહે. બામણવાડા, ચીખલી) ચીખલી કોલેજ રોડ પર આવેલ એક ડેરીમાં નોકરી કરતો હતો અને તેમની સામે કાપડની દુકાનમાં ચિન્મય રમેશ પટેલ (ઉ.વ. 37, રહે. ફડવેલ ભૂતિયા ફળિયા, ચીખલી) કામ કરતો હતો અને બપોરનાં સમયે તેની પત્ની ધર્મિષ્ઠાબેન (ઉ.વ.28) બપોરના સમયે ટિફીન આપવા આવતી હતી. તે દરમિયાન નિલેશની આંખ ધર્મિષ્ઠા સાથે મળી હતી. ધર્મિષ્ઠા અને નિલેશ સાથે પ્રેમસંબંધ બંધાતા જેની જાણ છેલ્લા 6 માસ અગાઉ પતિ ચિન્મય પટેલને થઈ હતી.બે-ત્રણવાર ધર્મિષ્ઠાને પતિએ સમજાવી હતી પરંતુ સંબંધ રાખ્યો જ હતો અને અંતે કહ્યું કે મારી સાથે રહેવાની કે પ્રેમી સાથે ? જેથી તેણે પતિની માફી માંગી તારી સાથે રહેવું છે તેમ જણાવતા નિલેશ પટેલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને 2જી માર્ચે ઘરે પરત જતી વખતે નિલેશને સાદકપોર ધર્મિષ્ઠાએ પ્લાન મુજબ બોલાવી તેને મંદિર પાસે લઈ જઈ પતિ ચિન્મય અને તેના બે સાગરીતો દીપેશ હળપતિ અને મનોજ હળપતિને નાણાંની લાલચ આપી તેમની મદદ લઈને રાત્રિના સમયે હથિયાર સાથે તૂટી પડી જીવલેણ ઘા મારી પતાવી દીધો હતો અને લાશ અને બાઈક અલગ-અલગ જગ્યાએ મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો. એલસીબી દ્વારા છેલ્લા 6 માસથી વણઉકેલ્યો હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.આરોપી ચિન્મય પટેલ અને ધર્મિષ્ઠાનાં લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા અને સંતાન ન હતું. બપોરે ચિન્મયને જમવાનું ટિફીન આપવા જતા નિલેશ પટેલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નાણાની જરૂર પડતા નિલેશે ચિન્મયને આશરે 5 લાખ જેટલી રકમ આપી હતી અને 1.50 લાખ પરત પણ કર્યા હતા. સાડા ત્રણ વર્ષ પ્રેમસંબંધ રાખ્યા હતા. જેમાં બે વખત પત્નીને ચિન્મયે વોર્નિંગ આપી હતી. અંતે મારી સાથે રહેવાની કે પ્રેમી સાથે !તેમ કહેતા ચિન્મય પટેલે તેમના ત્યાં કામ કરતા બે યુવાનોને નાણાની લાલચ આપીને હત્યા માટે તૈયાર કર્યા. નિલેશ ક્યા રસ્તા પરથી આવે છે તેની એક સપ્તાહ સુધી રેકી કરી હતી અને 2જી માર્ચે ધર્મિષ્ઠાએ નિલેશને મળવા બોલાવ્યો અને પ્લાન મુજબ નિલેશની હત્યા કરી હતી.હત્યા કરનાર આરોપી ચિન્મય પટેલ અને પત્ની ધર્મિષ્ઠા ટીવી ઉપર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નિયમિત જોતા હતા. નિલેશને મારવા માટેનો પ્લાન પણ તેઓએ સિરિયલ જોઈ બનાવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફોનનું લોકેશન ગુનાનું સ્થળ ન આવે તે માટે દરેકના ફોન પોતપોતાના ઘરે જ મૂકી દીધા, જે જગ્યા ઉપર સીસીટીવી ન હોય તેવા રસ્તાનો ઉપયોગ કર્યો, હત્યા કરતી વખતે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે દરેકે હાથમાં સેલોટેપ બાંધી હતી. હત્યા બાદ કપડાં, ચંપલ, સેલોટેપ સળગાવી દીધા, મૃતક નિલેશનો મોબાઈલ અવાવરું જગ્યા ઉપર ફેંકી દીધો હતો અને હત્યા કરી હત્યામાં વપરાયેલા લોખંડનો સળિયો, પાઈપ, કોદાળીનો હાથો તથા લાકડું ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો.પોલીસે સતત એક માસ સુધી તપાસ કરી,પોલીસ તપાસ કરે ત્યારે હત્યારાઓ પણ જોવા આવતા હતા કે પોલીસ કેવી રીતે તપાસ કરે છે. ગામમાં કેટલાક લોકોને ખબર હોવા છતાં પોલીસને ચકરાવે ચઢાવી હતી. તેમ છતાં પોલીસને અંતે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

Download Our B K News Today App



Related News