વડોદરામાં સરકારી ક્વોટાના બેડ ખાલી હોવા છતાં હોસ્પિટલો ના પાડે છે, બેડના રૂ.8500 કહેતા લાચાર પતિ પત્નીની સારવાર ન કરાવી શક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 12:51:20
  • Views : 253
  • Modified Date : 2021-04-15 12:51:20

    વડોદરામાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે તંત્ર દ્વારા દર્દીઓને સારી અને સમયસર સારવાર મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ, ખાનગી હોસ્પિટલોના વહિવટકર્તાઓ દ્વારા સરકારી ક્વોટામાં કોરોનાના દર્દીઓને સારવાર આપવાને બદલે સરકારી ક્વોટાના બેડ હાઉસફૂલ હોવાનું જણાવી દર્દીઓને પોતાની હોસ્પિટલના ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

    છોટાઉદેપુર જિલ્લામાંથી સામલાભાઇ રાઠવા (નામ બદલ્યું છે ) પોતાની પત્નીને લઈને કોરોનાની સારવાર માટે વડોદરા પાસે આવેલી હોસ્પિટલમાં આવ્યા હતા. આ દર્દીના પતિ સામલાભાઇએ હોસ્પિટલના વહીવટકર્તાઓએ ગવર્મેન્ટ ક્વોટાના બેડ ન હોવાનું જણાવી પ્રતિદિન રૂપિયા 8500 બેડ ચાર્જ થશે, તેમ જણાવતા સારવાર માટે આવેલી વ્યક્તિ પોતાની પત્નીને લઈને પરત પોતાના ગામ રવાના થઇ ગયો હતો.

    વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા શારદાબેન (નામ બદલ્યુ છે)ની તબીયત લથડતા પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ દર્દીને ગવર્મેન્ટ ક્વોટામાં દાખલ કરવાના હતા. 108 એમ્બ્યુલન્સના ઇએમટી દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સહિત વડોદરા અને વડોદરા નજીક આવેલી હોસ્પિટલોમાં તપાસ કરી હતી, પરંતુ, તમામ જગ્યાએથી એક જ પ્રત્યુત્તર મળ્યો હતો કે, ગવર્મેન્ટ ક્વોટાના બેડ હાઉસફૂલ છે. આખરે આ દર્દીના સંબંધીએ પોતાની વગ વાપરીને વડોદરા નજીક આવેલી હોસ્પિટલમાં સરકારી ક્વોટામાં બેડ હોવાનો ઇન્કાર કર્યો હતો. જોકે છેવટે તેજ હોસ્પિટલમાં ગવર્નમેન્ટ ક્વોટામાં પોતાની માતાને સારવાર માટે ખસેડાયા હતા. આ દર્દી સ્વસ્થ થયા બાદ પોતાના વોર્ડમાં જોતા માત્ર બે જ દર્દી હતા. પુત્રને જાણ કરતા તે ચોંકી ઉઠ્યો હતો.

    વડોદરા નજીક આવેલી એક હોસ્પિટલમાં સરકારી ક્વોટાના બેડ ઉપર હાલ માત્ર ત્રણ દર્દી હોવા છતાં હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા ગવર્મેન્ટ ક્વોટાના બેડ ખાલી ન હોવાનું જણાવીને પોતાના ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપીને નાણા વસુલી રહ્યા છે. તેજ રીતે વડોદરાની અન્ય કોવિડ હોસ્પિટલોમાં પણ ગવર્મેન્ટ ક્વોટાના બેડ ઉપર વિનામૂલ્યે કોરોના દર્દીઓને સારવાર આપવાને બદલે સરકારી ક્વોટાના બેડ ફૂલ થઇ ગયા હોવાનું જણાવી દર્દીઓને ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપીને દર્દીઓ પાસે નાણાં વસૂલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

    એવી પણ માહિતી મળી છે કે, કોરોનાકાળ દરમિયાન 24 કલાક ફરજ બજાવી રહેલી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટીને કોઈ પણ દર્દીને ગવર્મેન્ટ ક્વોટામાં દાખલ કરવા લઈ જવા માટે જેતે હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કર્યા બાદ લઈ જવાની ફરજ પડી રહી છે. દર્દીની હાલત ગંભીર હોય તેવા સમયે 108 એમ્બ્યુલન્સના ઇએમટીને પણ સરકારી ક્વોટાના બેડ શોધવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે.નોંધનીય બાબત એ છે કે, કોરોના કાળમાં ઉઘાડી લૂંટ ચલાવી રહેલી હોસ્પિટલો દ્વારા ગવર્મેન્ટ ક્વોટામાં બે ખાલી હોવા છતાં પણ દર્દીઓને પોતાની ચાર્જેબલ વોર્ડમાં સારવાર આપીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા વડોદરા શહેર અને વડોદરાની આસપાસ કેટલી કોવિડ હોસ્પિટલ છે અને તેમાં કેટલા ગવર્મેન્ટ ક્વોટાના બેડ છે. તેમજ કેટલા ચાર્જેબલ બેડ છે. અને તેનો ભાવ શું છે. તે અંગેની તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે, પરંતુ, આ વેબસાઈટ માત્ર શોભાના ગાંઠિયા જેવી પુરવાર થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

    વડોદરામાં વધી રહેલા કોરોના કેસના પગલે હજુ પણ દર્દીઓને ઓક્સિજન પ્લાન્ટ જેવી સુવિધાઓ મળી રહી નથી. આ ઉપરાંત દર્દીઓને જીવનદાન આપવા મદદરૂપ થતાં એવા રેમડેસિવિર ઇન્જેક્શનો પણ ન મળતા શહેરમાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. એ માટે જવાબદાર તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.


Download Our B K News Today App



Related News