ડીસા માળી સમાજ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:30:15
  • Views : 514
  • Modified Date : 2020-03-12 11:30:15

ગુજરાતની નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના  સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે  આજે પણ ધુળેટી પર્વના  દિવસે ઘેર અને લુર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે.
રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે.  હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જયારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે.
પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા છે.  તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી. પરંતુ  ડીસામાં આવી સ્થાઈ થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લાં ૨૫ વરસોથી પોતાની આ પ્રાચીન
પરંપરાને જીવંત રાખતા દર વરસે ધુળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે. આ બાબતે આયોજક અને પૂર્વ પાલિકા પ્રમુખ  પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે અમારી ધુળેટીમાં દિવસે રમાતી આ પરંપરાગત ઘેર અને લુર નૃત્ય દ્વારા હોળીની ઉજવણી કરીએ છીએ. જ્યારે ઘેરિયા કૈલાશભાઈ માળીએ જણાવ્યું હતું કે  છેલ્લાં ૨૫ વરસોથી અમારી વિસરાતી પરંપરાને બચવા મથામણ કરી રહ્યા છીએ. મહિલા અગ્રણી હંસાબેને જણાવ્યું હતું કે  લોકો પોતાના વ્યસ્ત સમયમાંથી પણ આજના દિવસે સમય ફાળવી ઉજવણીમાં ભાગ લે છે. જેના કારણે સમાજમાં એકતા વધી રહી છે.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી માળી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચુક્યા છે. હાલમાં ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના ૫૦ હજાર જેટલા લોકો વસે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લાં ૨૫ વરસોથી આ પ્રકારે દર ધુળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો જલસો રાખતા હોય છે. જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઇ બે ભાગમાં વહેંચાઈ એક બીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે. મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું કબુલે છે.
બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલ આ મારવાડી માળી સમાજ પોતાની ધુળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News