ખેતરો બેટમાં ફેરવાયા, કંસારીમાં હોડી ફરતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 12:00:54
  • Views : 371
  • Modified Date : 2020-08-25 12:00:54

 ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં લોકોને પણ મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં પણ પાણી ભરાઇ જતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ વાવેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો ખેતરમાં ભરાયેલા પાણીમાં એકથી બીજી તરફ જવા લોકો હોડીનો ઉપયોગ કરી રહ્યા છે.
બનાસકાંઠામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઇ ગયા છે. તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોના જાન-માલને ભારે નુકસાન થયું છે. ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે. અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં આવેલ મગફળી, બાજરી, તલ સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. પાક નુકસાનના કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે. અહીંના મોટા ભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે. જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આ જ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ ત્રણથી ચાર ઇંચ જેટલો થયો છે. પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં ૮ થી ૧૦ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ તો જાતે જ દેશી હોડી બનાવી દીધી છે. જેના કારણે ભારે વરસાદ થાય તો તે હોડીનો ઉપયોગ કરી પોતાના ખેતરોમાં કે ગામમાં અવરજવર કરી શકાય. દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના ફુવારા તેમજ ખેતીના ઓજારો તણાઇ જાય છે. ત્યારે તણાઈ ગયેલી વસ્તુઓને પાછી લાવવા માટે અને અવરજવર માટે અહીંના ખેડૂતો દેશી હોડીનો ઉપયોગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News