રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ, પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જવાબદારોને કડક સજા કરવા માગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:24:49
  • Views : 206
  • Modified Date : 2021-01-22 13:24:49

    રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડા થયાનો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લ ચડાવી દીધું અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હોય તેવી આફત આવી પડી છે. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મૂકાઇ છે. હાલ તો પરિવારની વ્હારે રાજકોટ કોંગ્રેસ આવ્યું છે અને આજે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજુઆત કરવા પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અને એક જ માગ કરી રહ્યા છે કે, જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઇએ.


    રડતા રડતા પિતાએ આક્ષેપ સાથે કહ્યું હતું કે અત્યાર સુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેંકની આવડી મોટી ભૂલને કારણે હવે HIV ગ્રસ્ત થઈ ગયો છે. થેલેસેમિયા ગ્રસ્ત હોવાથી જન્મ થયાં બાદ દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી માગ એટલી જ છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંક વાળાએ બ્લડ ચેક કર્યા વગર તેને બ્લડ ચડાવી દીધું છે. આવું બીજા કોઈ બાળક સાથે આવું ન થાય તે માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

    પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર એક વર્ષનો હતો ત્યારથી સિવિલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું બ્લડ ચડાવવામાં આવે છે. આજ દિન સુધી અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં બ્લડ ચડાવ્યું નથી. જ્યારે જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા. તેમજ દર છ મહિને HIV ટેસ્ટ પણ થતા હતા. જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર નાખવામાં આવતા અને ડોક્ટરની સહી થતી.


    છેલ્લે 4 જાન્યુઆરી 2021ના રોજ સિવિલમાં બ્લડ ચડાવવા ગયા ત્યારે નિયમ મુજબ HIV ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને અમે આઘાતમાં સરી પડ્યા. અંતે ડોક્ટરને પૂછતા તેઓએ જણાવ્યું કે, તપાસ કરવી પડશે. HIVવાળુ બ્લડ આવી ગયું હોય તો આવું થઇ શકે. પિતાનો આક્ષેપ છે કે, સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વગર મારા પુત્રને બ્લડ ચડાવી દીધું.

    કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનો HIV રિપોર્ટ મે 2020 સુધી નેગેટિવ હતો. બ્લડ ચડાવ્યા બાદ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV બ્લડ ચડાવી દીધું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાની આગેવાનીમાં કાર્યકરો પીડિત બાળકને પરિવાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પરિવારના લોકોએ પીડિત બાળકના રિપોર્ટ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા હતા અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.


Download Our B K News Today App



Related News