ગત જૂનમાં લગ્નના મહેમાનોની લિમિટ 50 હતી, નવેમ્બરમાં વધારી 200 કરી ને પાછી ફરી 50 થશે!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 17:09:14
  • Views : 360
  • Modified Date : 2021-04-12 17:09:14

    કોરોનાના પગલે રાજ્યમાં ફરી લગ્નો પર અસર થવાની શક્યતા છે. ગયા વર્ષે જૂનમાં 50 લોકોની મર્યાદા સાથે છૂટછાટ આપવામાં આવી હતી. તે નવેમ્બરમાં 100 પછી 200 અને સુપ્રીમની નારાજગી બાદ 100 કરાઈ હતી. ત્યારે હાઈકોર્ટના સૂચનને પગલે રાજ્યમાં ફરી 50 લોકોને જ લગ્નમાં હાજર રહેવા મળે તેવી શક્યતા છે.

    રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને પગલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. હાઈકોર્ટે સૂચન કર્યું છે કે રાજ્યમાં લગ્નવિધિ અને અંતિમિવિધિ સિવાયના તમામ કાર્યક્રમ પર રોક લગાવી દો. સાથે જ લગ્નમાં 100ને બદલે માત્ર 50 લોકોને જ તેમાં સામેલ કરવા સૂચન કર્યું છે. ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં 8-10થી વધુ લોકો એકઠા ન થાય તેમ જણાવ્યું છે. ત્યારે રાજ્યમાં ફરી લગ્નપ્રસંગોમાં લોકડાઉન બાદ નક્કી કરાયેલા 50 લોકોની પરવાનગી લાગૂ થવાની શક્યતા છે.

    1 જૂનથી અનલોક-1માં છૂટછાટો સાથે કોઈ પણ મંજૂરી લીધા વિના કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને મર્યાદામાં લગ્નનું આયોજન શરૂ થયા હતા. કોરોના મહામારી વચ્ચે લગ્ન માટે મંડપ, જમણવાર, વરઘોડો, બેન્ડ, કંકોત્રી સહિતની તમામ તૈયારીઓ થઈ હોવા છતાં લગ્નને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું. દરમિયાન સરકારે છૂટછાટો આપતા વરરાજા-વધૂ થઈને ફક્ત 20 લોકોની હાજરીમાં ઈન હાઉસ લગ્ન કરવાની મંજૂરી આપી હતી. લગ્ન સિવાય કોઈ વસ્તુની મંજૂરી અપાઈ ન હતી.જો કે અનલોક-1 જાહેર થતાં રાજ્યમાં કલેક્ટરોએ જાહેરનામું બહાર પાડીને કોઈ પણ મંજૂરી લીધા વિના ફક્ત 50 લોકોની હાજરીમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી લગ્ન કરવાની છૂટ આપી હતી.

    રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા હતા, પરંતુ એમાં 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. દરમિયાન 2 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપી હતી. જોકે એના માટે નું પાલન કરવું પડશે. હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ 200થી વધુ મહેમાનો છૂટ આપી હતી. મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ-સ્થળ શોધીને લગ્નમાં કોઇપણ હોલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનોની છૂટ હતી. લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરવા માટે સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાન જેટલી ક્ષમતા નિર્ધારિત કરાઈ હતી.

    24 નવેમ્બરે ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં 200 વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને 100 વ્યક્તિઓની કરી નાંખી છે. જ્યારે અન્ય સમારંભો કે અંતિમવિધિમાં માત્ર 50 વ્યક્તિઓ જ ભાગ લઇ શકશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આ શહેરોમાં કર્ફ્યૂના સમય દરમિયાન કોઇ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

    11 ડિસેમ્બરે ગુજરાત સરકારના ગૃહવિભાગ વતી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગાઉ જાહેર કર્યું હતું કે રાજ્યમાં લગ્નોના આયોજન માટે કોઇ આગોતરી મંજૂરી લેવાની રહેશે નહીં, હવે તેમના જ વિભાગે ઠરાવ બહાર પાડીને લોકોને ફરમાન કર્યું હતું કે જો તમારા પરિવારમાં લગ્ન યોજવા હોય તો સરકારના ઓનલાઇન પ્લેટફોર્મ પર જઇને નોંધણી કરાવી રસીદ લઇ લો. આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઇ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જેથી લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણય ફેરવી તોળ્યો હતો અને મંજૂરીમાંથી મુક્તિ આપી હતી. જ્યારે લગ્ન સમારંભના સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો.

    અગાઉ ગુજરાત સરકારે લગ્ન સમારંભોમાં મહત્તમ 200 વ્યક્તિઓની હાજરીને બહાલી આપી હતી. પરંતુ દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થતાં 22 જાન્યુઆરીએ આ મર્યાદા ઘટાડીને લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 વ્યક્તિની મર્યાદા બાંધવામાં આવી હતી. ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવતા કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળામાં બંધ કરાયા હતા. લગ્નો કે સત્કાર સમારંભોમાં કોવિડ-19ની માર્ગદર્શિકાનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તથા સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા કરવાની રહેશે.


Download Our B K News Today App



Related News