ડીસા તાલુકામાં પડેલ ભારે વરસાદથી ચોમાસુ પાક નષ્ટ : સરકાર પાસે સહાયની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 13:08:15
  • Views : 579
  • Modified Date : 2021-09-28 13:08:15

બનાસકાંઠાના કંસારી પંથકમાં ગઇકાલે આવેલા ભારે વરસાદ થી ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 24 કલાક બાદ પણ ખેતરોમાં 500 વિઘા જમીનમાં પાણી ભરાઇ રહેતા મગફળી, કપાસ, બાજરી સહિતના પાક માં કરોડો રૂપિયા નું નુકશાન થયુ છે.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ગત સવારથી જ મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડ્યો હતો ખાસ કરીને કાલે શરૂ થયેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી સતત પાંચ કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું વધુ પડતા વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા આ વરસાદના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ખેડૂતોની સર્જાઈ છે વરસાદી પાણીના કારણે ખેડૂતોને પોતાના પાક.માં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.

 

- ડીસા તાલુકાના અનેક ગામમાં વરસાદી પાણીથી મોટું નુકસાન

 

બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે આવેલા વરસાદે અનેક જગ્યાએ ભારે તબાહી સર્જી છે. જેમાં ગઈકાલે ડીસા પંથકમાં પણ બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા હતો, જેના કારણે કંસારી, ફુવારાપાદરા, દામાં, સેરપુરા, લક્ષ્મીપુરા સહિતના ગામની આજુબાજુના અનેક ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. આ વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો એ મગફળી, કપાસ અને બાજરીનું વાવેતર કર્યુ હતું. પહેલા તો એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેતરો માં વાવેલો 30 ટકા જેટલો પાક બળી ગયો હતો. પરંતુ બાદમાં આવેલા વરસાદે બચેલા પાકને નવજીવન બક્ષ્યું હતો અને હવે જ્યારે ખેડૂતોનો બચેલો પાક તૈયાર થઈ જવાની કગાર પર આવ્યો ત્યારે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ખેડૂતોના મોં માં આવેલો કોળીયો છીનવી લીધો છે.

 

- 500 વિઘા જમીનમાં પાક નષ્ટ

 

ડીસા તાલુકાના ફુવારાપાદરા, દામાં, સેરપુરા, લક્ષ્મીપુરા, કંસારી ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવાથી અને બાજુમાં હાઈવે રોડ ઊંચાઈ પર બનાવવાના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. 2015 અને 17 માં પણ આવેલા વિનાશક પૂરના કારણે અહીં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતો તે બાદ આ વર્ષે ફરીથી ગઈકાલે ખાબકેલા વરસાદે  અહીંના ખેતરો ને બેટ માં ફેરવી દીધા છે અને 24 કલાક બાદ પણ ખેતરોની અંદર હજુ પણ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું છે. ખેતરમાં તૈયાર થયેલ કપાસ અને મગફળી જેવા પાક પણ પાણીમાં તરી રહ્યા છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ-રાત ખેત મજૂરી કરી પાક તૈયાર કર્યો હતો અને સારી આવક મળશે તેવી આશા સેવી હતી પરંતુ ખેડૂતોની આ આશા પર વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે પાણી ફેરવી દીધું છે. કંસારી ગામની આજુબાજુના 500 વીઘા જમીનમાં આ જ પરિસ્થિતિ છે જેથી ખેડૂતોને અંદાજે ચારથી પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તેવો અંદાજ છે.

Download Our B K News Today App



Related News