અતિવૃષ્ટિથી મગફળી અને કપાસના પાકને 30 ટકા સુધીનું નુકસાન, રવી પાકનું વાવેતર રેકોર્ડ તોડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:40:08
  • Views : 368
  • Modified Date : 2020-10-01 11:40:08

   સૌરાષ્ટ્રભરમાં ચોમાસુ સારૂ રહેતા 150 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાકમાં નુકશાન ગયુ છે તો વળી નદી-નાળા અને ડેમ બધા ભરાઈ જતા અને પાણીના તળ ઉંચા આવતા શિયાળુ પાક માટે સ્થિતિ ખૂબ સારી ઉભી થઈ છે. હાલના પાકમાં વરસાદની શુ અસર તેમજ હવે પછીના પાકમાં શુ થશે તે મામલે કૃષિ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ અને કૃષિ વૈજ્ઞાનિક ડો. ડી.વી. ચોવટિયા તેમજ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ આખુ એનાલિસીસ કર્યુ છે. બંને નિષ્ણાંત જણાવે છે કે હાલ જે અતિવૃષ્ટિથી નુકશાન થયુ છે તેના કરતા ઘણુ વળતર રવિપાક અને ઉનાળુ પાક લઈ આપશે.

ઓછા વરસાદવાળો પંથક આ વર્ષે ખેતી માટે આદર્શ
સૌરાષ્ટ્રમાં જે ચોમાસે વધુ વરસાદ હોય અને તળ ઉંચા હોય તેમજ ચેકડેમ ભર્યા હોય ત્યારે ઘઉંની વાવણી વધુ થાય છે. ઉપરાંત ઉનાળુ તલ, જીરૂ, ધાણા, લસણ ડુંગળી, ચણા વગેરે પાક લેવાય છે. જે વિસ્તારોમાં દર વર્ષે ઓછો વરસાદ હોય છે ત્યાં પણ આ વર્ષે સ્થિતી આદર્શ છે ત્યાં વરસાદથી ડેમ ભરાયા છે, અન્ય વિસ્તારની જેમ ખરીફ પાકમાં નુકસાની ઓછી છે અને રવિ પાકમાં ફાયદો પણ છે > આર. આર. ટીલવા, જિલ્લા ખેતીવાડી અધિકારી, રાજકોટ

વધુ વરસાદ પડ્યો ત્યાં તલ અને કઠોળનું વાવેતર ઘટશે
સૌરાષ્ટ્રમાં 150 ટકા વરસાદ પડવાથી ખેતીને ફાયદો અને નુકસાન બન્ને થશે. જ્યારે જળાશયો ભરાતા ખેતી માટે પિયતની સુવિધા વધશે. સૌરાષ્ટ્રમાં તલ અને કઠોળના પાકમાં ઉત્પાદન આવવાની સંભાવના નહીંવત રહેશે. પિયત અને પાણીની સગવડ વધવાથી રવી પાકનો વાવેતર વિસ્તાર વધી શકશે. ઉનાળુ પાકનું વાવેતર પણ વધશે. > ડો. ડી.વી. ચોવટીયા, કૃષિ વૈજ્ઞાનિક અને ઈન્ચાર્જ કુલપતિ કૃષિ યુનિ.જૂનાગઢ

શિયાળામાં આટલા પાકો લઈ શકાશે
હવે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું પાકોનું વાવેતર થઈ શકે તેમ ન હોઈ શિયાળુ પાકોનું વાવેતર થશે, રવી પાક માટે ચણા, રાયડો, ડુંગળી, લસણ,ઘઉં, ધાણાજીરું, વરિયાળી, મકાઈ, જુવાર, શાકભાજી, ઘાસચારાનો પાક લેવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે. સારો વરસાદ પડ્યો હોવાથી પાણીની સમસ્યા પણ નહીં રહે.

40 દિવસ સુધી ખેતરમાં ન જઈ શક્યા
સતત વરસાદને કારણે 40 દિવસ ખેતરમાં જઈ ન શકતા મગફળીમાં ઈયળ આવી છે. ફૂલ ખીલવા નથી પામ્યા. તલનું જે વાવતેર કર્યું તે બધું ધોવાઈ ગયું છે. હવે એક કપાસની આશામાં ફાલ પાકવાનો હતો ત્યારે વરસાદ પડ્યો. અત્યારે તો માત્ર છોડવા જ ઊભા છે. દવા છાંટીને તેને કંટ્રોલ કરવાની કોશિશ ચાલુ છે. > હિરજીભાઈ ભીંગરાડિયા, ગઢડા.

કપાસના પાક માટે હજુ પણ થોડી આશા છે
જુવાર, બાજરી, મગ, કઠોળના પાક ધોવાઈ ગયા છે. હાલમાં તેને ખેંચીને બહાર કાઢવાની મજૂરી વધી જાય એમ છે. બાજરા માટે પાછોતરો વરસાદ થયો એ નુકસાનકારક સાબિત થયો. 1982માં વાવાઝોડું આવ્યું ત્યારે આવી રીતે પાકને નુકસાની ગઇ હતી. અત્યારે તો અમે ખુદ શાકભાજી વેચાતું લઈને ખાઈએ છીએ. > અતુલભાઈ સોરઠિયા, રાજકોટ.

Download Our B K News Today App



Related News