રાણપુરમાં બીમાર બાળકને સારવાર માટે હાલાકીનો સામનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-14 11:35:49
  • Views : 813
  • Modified Date : 2020-04-14 11:35:49

કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન થયા બાદ ગામડામાં વસવાટ કરતા ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે. ડીસાના રાણપુર ગામમાં ગરીબ પરિવારને બાળકની સારવાર માટે ચાલતા ડીસા આવવું પડ્‌યું હતું.  જોકે ડીસામાં સિવિલ હોસ્પિટલમાં સારવારનો ઇનકાર કરતા ખાનગી
હોસ્પિટલમાં જવું પડ્‌યું હતું.
કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર રીતે સાબદુ અને એલર્ટ થયું છે. ત્યારે બનાસકાંઠાના ડીસાના રાણપુર આથમણાવાસ ગામે રાજુ હરજીભાઈ પરમારનો ત્રણ મહિનાનો બાળક બીમાર પડતા બે દિવસ અગાઉ ગામમાં આવેલ પેટા કેન્દ્રમાં સારવાર અર્થે ગયેલ પંરતુ સ્ટાફ હાજર ન હોવાનું કહી રવાના કરતા  ૧૦૮ અને ૧૦૪ માં કોલ કરેલ. પરંતુ તેઓ દ્વારા પણ એમ્બ્યુલન્સ કોરોનામાં રોકાયેલ હોઈ આવી શકે તેમ નથી જેથી ગરીબ પરિવાર પોતાના બાળકને બચાવવા ચાલતા ડીસા તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઇક અને રીક્ષા ચાલકો સામે આજીજી કરતા એક રીક્ષા ચાલક થોડે સુધી મૂકી આવેલ. જોકે આગળ પોલીસ હોઈ દૂર ઉતારી રવાના થયેલ. જેથી બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવેલ. ત્યારબાદ ગતરોજ ફરી બાળક બીમાર પડતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલ.
પરંતુ સ્ટાફ દ્વારા સારવાર નહીં થાય તેવો જવાબ આપી રવાના કરી દેતા બાળકને લઈને દંપતિ સારવાર અર્થે ચાલતો ખાનગી હોસ્પિટલમાં પહોંચેલ જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ફરી આ દંપતિ બાળકને લઈને ચાલતા ઘરે ગયેલ. જોકે એક તરફ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સારવાર આપવાનો ઇનકાર કરી રહ્યા છે, તો સિવિલમાં પણ ના પાડતા એકદમ ગરીબ પરિવારને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્‌યો હતો. એક તરફ સરકાર આરોગ્યને લઈને સતર્ક છે તો બીજી તરફ સ્થાનિક આરોગ્ય અધિકારી, કર્મીઓની મનમાનીથી ગરીબ દર્દીઓ
પરેશાન થઈ રહ્યા છે. જેથી સરકારનો સાચો ધ્યેય સાર્થક થતો નથી અને લોકડાઉનના સમયે ગરીબ લોકો પરેશાન થઇ રહ્યા છે.
જોકે આ બાબત અમારા પ્રતિનિધિને ધ્યાને આવતા જિલ્લા કલેકટર સંદીપ સંગલેનું ધ્યાન દોરેલ અને  ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવા અને કોઈ દર્દીને તકલીફ નહિ પડે તેવી વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News